સુરત જિલ્લામાં ઘાસ કાપવા ગયેલા બે યુવકોને ચોરીની શંકાએ પકડીને બીજા પાર્ટી પ્લોટમાં લઈ જઈ માર માર્યાનો આરોપ છે. આ ઘટનામાં અનિલ રાઠોડનું મોત થયું હતું, જ્યારે તેમના મિત્ર નીલેશ રાઠોડ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે. હાલ તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે.

પોલીસે આપેલી વિગતો પ્રમાણે, ઘટના 11 નવેમ્બરે સાંજે સવા સાત વાગ્યાની આસપાસ બની હતી. અનિલ રાઠોડ અને નીલેશ ઉર્ફે ગોપાલ રાઠોડ સણિયા કણદે ગામના ક્રિષ્ના સેવન સ્ટાર પાર્ટી પ્લોટમાં ઘાસ કાપવા ગયા હતા. ત્યાંના માલિક પક્ષે બંને પર પ્લોટમાં પડેલો ભંગાર ચોરવા આવ્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી.

બે પાર્ટી પ્લોટ વચ્ચે લઈ જવાયા

પોલીસના જણાવ્યા અનુસાર, વિજય ઉર્ફે સોનુ, અભિષેક, સુજિત, સુમીત, મહેન્દ્ર અને રાહુલ નામના છ શખ્સોએ બંને યુવકોને જાતિસૂચક અપશબ્દો કહ્યા અને વાહનમાં બેસાડીને કરાડવા ગામના રાધેકૃષ્ણા પાર્ટી પ્લોટમાં લઈ ગયા હોવાનો આરોપ છે. ત્યાં બંનેને ડોમના થાંભલા સાથે બાંધી લાકડાના ટુકડા અને ઇલેક્ટ્રિક સર્વિસ વાયરના ફટકા માર્યાનો પોલીસનો દાવો છે. આ મારથી નીલેશને ઈજા થઈ હતી અને અનિલનું મોત થયું હતું.

પોલીસે જણાવ્યું કે ઘટના બાદ આરોપીઓ સ્થળેથી નાસી ગયા હતા. ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની હત્યા, અપહરણ, ગેરકાયદે બંધક બનાવવા અને ટોળું રચવા સંબંધિત કલમો ઉપરાંત અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

છ આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં

તપાસ અધિકારી અને સુરત ‘જે’ ડિવિઝનના ડીવાયએસપી સુનીલ ટરડેએ જણાવ્યું હતું કે પોલીસે ઘટનાના બીજા દિવસે છ આરોપીઓને પકડી લીધા હતા. ડીંડોલી પોલીસની ટીમોએ માનવીય બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તેમની શોધખોળ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી યુવકોને બાંધવા વપરાયેલો દોરડો પણ કબજે કર્યો હોવાનું ટરડેએ જણાવ્યું.

પોલીસના પ્રાથમિક તપાસમાં આ ગુનામાં અન્ય કોઈની સામેલગીરી જણાઈ ન હોવાનું તેમણે કહ્યું હતું; જોકે તપાસ હજી ચાલુ છે. આરોપીઓના પરિવારજનો અથવા વકીલનો પક્ષ મેળવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. તેથી આ તબક્કે તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા ઉપલબ્ધ નથી.