સુરતના અલથાણ-ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં વેપારીનું પિસ્તોલ અને ચપ્પુ બતાવી અપહરણ કરવાના કેસમાં પોલીસે બિલ્ડરપુત્ર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 1 ઓક્ટોબરની રાત્રે વેપારીને બળજબરીથી કારમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હતો. થોડા કલાકોમાં જ પોલીસે સિટીલાઇટ વિસ્તારમાંથી ત્રણેયને પકડી વેપારીને સુરક્ષિત મુક્ત કરાવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે આશરે 10:40 વાગ્યે 112 ઇમરજન્સી સેવાને ફોન કરીને ભીમરાડ-કેનાલ રોડ પરથી એક વ્યક્તિને હથિયારો બતાવી કારમાં લઈ જવામાં આવ્યાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં 112ના સ્ટાફે અલથાણ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓનું લોકેશન શોધી કાર્યવાહી કરી હતી.
દીકરી સાથે વાતચીત બંધ થતાં વિવાદ
તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપી રીષભ નાહટા અને વેપારીની દીકરી વચ્ચે અગાઉ મિત્રતા હતી. યુવતીએ રીષભ સાથે વાતચીત બંધ કરી દીધા બાદ તે બે સાથીઓ સાથે તેના ઘરે ગયો હતો. યુવતી ઘરે ન હોવાથી રીષભે તેના પિતા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. પોલીસના પ્રાથમિક દાવા મુજબ, દીકરી સાથે વાત કરાવવાનો આગ્રહ ન માનવામાં આવતા વેપારીને ધમકાવી કારમાં બેસાડવામાં આવ્યો હતો.
પોલીસ સમક્ષ રીષભે અલગ દાવો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. તેના કહેવા મુજબ, વેપારીની દીકરીએ તેની એક બહેનપણી સાથે ફોન પર ગેરવર્તન કર્યું હતું અને તે બાબતે સ્પષ્ટતા કરવા માટે તે યુવતીના ઘરે ગયો હતો. આ દાવાની પણ પોલીસ તપાસ કરી રહી છે.
પિસ્તોલ, ચપ્પુ અને કાર જપ્ત
આ કેસમાં રીષભ નાહટા ઉપરાંત દેવ કેતન આહિર અને લક્ષ્મણ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, દેવ આહિર પિસ્તોલ લઈને આવ્યો હતો, જ્યારે લક્ષ્મણ રાઠોડ બિલ્ડરની ઓફિસમાં નોકરી કરે છે. બંને સામે અગાઉ મારામારી, અકસ્માત અને દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી પોલીસે આપી છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.40 લાખની કાર, એક પિસ્તોલ, એક ચપ્પુ અને રૂ.1.40 લાખની કિંમતના ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.41.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યાં તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. અલથાણ પોલીસે અપહરણ, ગેરકાયદે રીતે રોકી રાખવા, ઇજા પહોંચાડવા, ધમકી આપવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
