સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી રાજહંસ સિન્ફોનીયા સોસાયટીમાં 9 વર્ષના બાળકને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, બાળક કિડ્સ ઝોનમાં મિત્રો સાથે સ્માઈલી બોલથી રમી રહ્યો હતો ત્યારે બોલ સોસાયટીમાં રહેતી એક બાળકી સાથે અથડાયો હતો. આ પછી બાળકીના પિતાએ બાળકને માર માર્યો હોવાનો આક્ષેપ છે.
ફરિયાદી જાગૃતિબેન સોનાલીયાના જણાવ્યા અનુસાર, ઘટના 2 ઓક્ટોબરની સાંજે આશરે સાત વાગ્યે બની હતી. તેમનો પુત્ર સોસાયટીની સી અને ડી વિંગ પાસે આવેલા કિડ્સ ઝોનમાં રમતો હતો. બોલ બાળકી સાથે અથડાયા બાદ વર્ધાન અમરીશભાઈ શાહે બાળકને ‘બરાબર રમતાં આવડતું નથી?’ કહીને 5થી 6 થપ્પડ માર્યાની ફરિયાદમાં નોંધાયું છે.
જાતિ વિષયક અપમાનનો પણ આરોપ
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે માર માર્યા બાદ બાળકને નીચે પાડી તેની પાસેથી માફી મંગાવવામાં આવી હતી. આ દરમિયાન જાતિ વિષયક અપમાનજનક શબ્દો વાપરવામાં આવ્યા હોવાનો પણ આરોપ છે. ઘટના બાદ બાળકના મિત્રો ઘરે જઈ જાણ કરતાં પરિવારજનો કિડ્સ ઝોનમાં પહોંચ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, બાળક ડરી ગયેલી સ્થિતિમાં રડી રહ્યો હતો અને તેના ગાલ પર સોજો હતો.
પરિવારે સોસાયટીની ઓફિસમાં જઈ CCTV ફૂટેજ તપાસ્યું હતું. ફરિયાદ મુજબ, ફૂટેજમાં આરોપી બાળકને માર મારતો દેખાય છે. ત્યારબાદ બાળકની તબિયત લથડતાં તેને ભટારની મૃદુલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે ઘટના બાદ બાળક ઊંઘમાંથી ચમકી ઊઠતો હતો અને તેને તાવ પણ આવ્યો હતો.
BNS અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો
બાળકની તબિયત સુધર્યા બાદ તેની માતાએ અલથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વર્ધાન અમરીશભાઈ શાહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 115(2) અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989ની કલમ 3(1)(r) હેઠળ ગુનો નોંધ્યો છે.
મામલાની તપાસ ‘એચ’ ડિવિઝનના ACP ઝેડ.આર. દેસાઈને સોંપવામાં આવી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે પોલીસ તપાસ આગળ વધારી રહી છે.
