સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના એપ્રન વિસ્તારમાં ફરજ પર રહેલા એક ગ્રાઉન્ડ સ્ટાફ કર્મચારી અચાનક બેભાન થઈ જમીન પર ઢળી પડતાં CISF જવાનોએ તાત્કાલિક મદદ કરી હતી. CISF હેડ કોન્સ્ટેબલ ચૌધરી સંજય કુમાર અંબાલાલે CPR આપીને પ્રાથમિક જીવનરક્ષક સહાય શરૂ કરી હતી.
ઘટના 2 ઓક્ટોબરે એરપોર્ટના સ્ટાફ ગેટ પાસે બની હતી. સ્ટ્રીમહાઉસ ઇન્ડિયા લિમિટેડમાં ડિરેક્ટર ઓફ એન્જિનિયરિંગ તરીકે કાર્યરત મનોજભાઈ પવાર ત્યાં ફરજ પર હતા. તેમની તબિયત અચાનક બગડતાં નજીકમાં પ્રોફાઇલિંગ ડ્યૂટી પર રહેલા હેડ કોન્સ્ટેબલ સંજય કુમાર તરત તેમની પાસે પહોંચ્યા હતા.
CPR બાદ તબીબી ટીમની સારવાર
CISFના અન્ય કર્મચારીઓએ પણ મદદ કરી હતી. CPR બાદ એરપોર્ટની સનશાઇન મેડિકલ ટીમે મનોજભાઈને તાત્કાલિક તબીબી સહાય આપી અને આગળની સારવાર માટે મોકલ્યા હતા. અહેવાલો મુજબ, તેમની હાલત બાદમાં સ્થિર હતી.
મનોજભાઈએ CISF કન્ટ્રોલ રૂમને લખેલા પત્રમાં જવાનો અને મેડિકલ ટીમનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ ડાયાલિસિસ પર છે અને બ્લડ પ્રેશર ખૂબ ઓછું થતાં બેભાન થઈ ગયા હતા.
ઘટનાનો CCTV વિડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં CISF કર્મચારીઓની ઝડપી પ્રતિક્રિયા અને સમયસર મળેલી પ્રાથમિક તબીબી સહાય નિર્ણાયક બની હતી.
