સુરત શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને વાહનચેકિંગ વધારવામાં આવ્યું છે. શહેરના મુખ્ય ચાર રસ્તા, પ્રવેશમાર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ હાથ ધરાઈ રહી છે.

આ વિશેષ ઝુંબેશ દરમિયાન અડાજણ વિસ્તારમાં પોલીસની વિવિધ ટીમોએ મોડી રાત્રે પેટ્રોલિંગ કર્યું હતું. જાહેર માર્ગો પર જોખમી રીતે બાઈક હંકારીને અન્ય લોકોની સુરક્ષા જોખમમાં મૂકતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક ચાલકો બાઈક પર સ્ટંટ કરતા હતા, જ્યારે કેટલાક વાહનોમાં કર્કશ અવાજવાળા સાયલેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

11 બાઈક સહિત વાહનો જપ્ત

પોલીસે કાર્યવાહી દરમિયાન 11 બાઈક સહિત બુલેટ જેવા વાહનો જપ્ત કર્યા હતા. ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસની ટીમોએ જાહેર રસ્તાઓ પર બેફામ ઝડપે વાહન ચલાવતા અને રાત્રિના સમયે રેસ લગાવતા તત્ત્વો સામે પણ નજર રાખી હતી. તહેવાર દરમિયાન સામાન્ય નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને રસ્તા પર કોઈ અણબનાવ ન બને તે માટે ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.

સુરત પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ રાત્રિ પેટ્રોલિંગ અને વાહનચેકિંગની ઝુંબેશ ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. જોખમી ડ્રાઇવિંગ, સ્ટંટબાજી અને નિયમવિરોધી સાયલેન્સરનો ઉપયોગ કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.