ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે સુરતના 14 યાત્રાળુઓનું જૂથ મુશ્કેલીમાં મુકાયું છે. સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી રંજનબેન પંચાલે વીડિયો બનાવી ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર પાસે મદદની અપીલ કરી હતી.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, વહીવટી તંત્ર દ્વારા જૂથના ત્રણ સભ્યોને હેલિકોપ્ટર મારફતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના 11 યાત્રાળુઓ હજુ કેદારનાથમાં અટવાયેલા છે. ભારે વરસાદને કારણે યાત્રાળુઓને રહેવા, ખાવા-પીવા અને સુરક્ષાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની માહિતી સામે આવી છે.

મહિલાએ વીડિયો દ્વારા કરી મદદની અપીલ

રંજનબેન પંચાલે પોતાના વીડિયોમાં સતત વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે યાત્રાળુઓ ખુલ્લા આકાશ નીચેના તંબુઓમાં આશરો લઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે બાકીના સભ્યોને પણ વહેલી તકે સલામત સ્થળે ખસેડવા માટે રાજ્ય સરકાર અને ઉત્તરાખંડ વહીવટીતંત્રને વિનંતી કરી હતી.

વીડિયો સામે આવ્યા બાદ સુરતમાં રહેતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. પરિવારજનોનું કહેવું છે કે બાકીના 11 યાત્રાળુઓને પણ શક્ય તેટલી ઝડપથી એરલિફ્ટ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવે.

હાલ ઉપલબ્ધ અહેવાલો મુજબ, જૂથના ત્રણ સભ્યોનું રેસ્ક્યૂ થયું છે અને અન્ય યાત્રાળુઓને બહાર કાઢવા માટે રાહ જોવાઈ રહી છે.