સુરતના સચીન GIDC વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે ફરાર રિક્ષાચાલકને પકડી લીધો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 51 વર્ષીય દિનેશપ્રસાદ શ્યામદેવ સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આરોપી પાસેથી અકસ્માતમાં વપરાયેલી ઓટો રિક્ષા પણ કબજે કરી છે.
11 નવેમ્બર, 2026ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે સચીન GIDCના રોડ નંબર-3 પર રાજકમલ ચોકડી પાસે આ અકસ્માત થયો હતો. દિનેશપ્રસાદ આર.કે. હેલ્થકેર પ્રા.લિ. કંપનીની સામે રસ્તાની બાજુએ પગપાળા જઈ રહ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પાછળથી આવેલી ઓટો રિક્ષાએ તેમને ટક્કર મારી હતી. તેઓ રસ્તા પર પટકાતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી.
ઘાયલ દિનેશપ્રસાદને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. 13 નવેમ્બરે ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. તેમની પુત્રી સાધનાકુમારી મંડલે સચીન GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
ફરિયાદ બાદ આરોપીની ધરપકડ
પોલીસે તપાસ હાથ ધરી અકસ્માત બાદ સ્થળેથી ફરાર થયેલા રિક્ષાચાલક રાજેન્દ્રકુમાર લાલચંદ પાલની ધરપકડ કરી હતી. 35 વર્ષીય પાલ સચીન GIDCના પાલીગામ વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના જ્ઞાપુરનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી રિક્ષા કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
