સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં આવેલા અવધ સાંગ્રીલામાં જુગાર રમતા 11 લોકોને સુરત ગ્રામ્ય જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડા દરમિયાન કુલ ₹56.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની માહિતી છે. પકડાયેલા લોકો સામે જુગારધારા હેઠળ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસને બાતમી મળી હતી કે અવધ સાંગ્રીલાના એક મકાનમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે LCBએ ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસે નાસીર હુસેન ઉર્ફે પપ્પુ રહેમાન સમા સહિત 11 લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા. મકાનમાં જુગાર રમાડવા અને નાલના રૂપિયા લેવા મામલે મકાનમાલિક ગોરધનભાઈ વીરજીભાઈ સરવૈયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

રોકડ, મોબાઇલ અને વાહનો જપ્ત

દરોડા દરમિયાન પોલીસે ₹3.75 લાખ રોકડા, 13 મોબાઇલ ફોન, પાંચ ફોર-વ્હીલર અને એક મોપેડ જપ્ત કર્યાં હતાં. સ્કોર્પિયો કારમાંથી પણ ₹8 લાખ રોકડા મળ્યા હતા. આ તમામ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹56.20 લાખ દર્શાવવામાં આવી છે.

પકડાયેલા 11 લોકોમાં નાસીર હુસેન ઉર્ફે પપ્પુ રહેમાન સમા ઉપરાંત અરવિંદભાઈ બંશીભાઈ ધાણીધારિયા, હાજી ઈસ્માઈલ મંસુરી, ભગવાનભાઈ જેઠાભાઈ રામ, પ્રભાભાઈ નારણભાઈ બલર, વિઠ્ઠલભાઈ મોહનભાઈ સાવલિયા, ખીમજીભાઈ નાથાભાઈ પટેલ, દિલીપકુમાર ઘનશ્યામભાઈ કાનાણી, રાજીવ વિઠ્ઠલભાઈ સાવલિયા, સંજયકુમાર દિનેશભાઈ બોરીચા અને ધર્મેશકુમાર ગોવિંદભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. ગોરધનભાઈ સરવૈયાની શોધ સહિત સમગ્ર મામલે પોલીસની વધુ તપાસ ચાલુ છે.