સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા વીજચોરી રોકવા માટે મેગા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. સાતથી વધુ ગામોમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન 82 સ્થળે વીજચોરી અથવા વીજ જોડાણમાં ગેરરીતિ મળી આવી હતી. આ કેસોમાં કુલ 1 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
માંગરોળ તાલુકાના હથોડા, સિયાલજ, મોટી નરોલી, મોટા બોરસરા, ભાટકોલ અને કોઠવા સહિતના ગામોમાં વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. DGVCLની ટીમોએ કુલ 784 રહેણાંક અને અન્ય વીજ જોડાણો તપાસ્યાં હતાં. તપાસ દરમિયાન કેટલાક સ્થળે વીજ વપરાશમાં ગેરરીતિ અને સીધી વીજચોરી મળી આવી હતી.
45 ટીમે 784 જોડાણોની તપાસ કરી
મેગા ડ્રાઇવમાં વીજ વિભાગની 45 તપાસ ટીમ જોડાઈ હતી. કામગીરીમાં કાર્યપાલક ઇજનેર બી.પી. ગોહિલ સહિત વીજ કંપનીનો સ્ટાફ હાજર રહ્યો હતો. તપાસ દરમિયાન મળેલી ગેરરીતિના આધારે સંબંધિત જોડાણધારકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
મેગા ચેકિંગ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. DySP બી.કે. વનારના નેતૃત્વમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 4 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને 60 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
DGVCL દ્વારા વીજચોરી સામેની આવી તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. માંગરોળ તાલુકામાં હાથ ધરાયેલી આ ડ્રાઇવમાં મળેલી ગેરરીતિના આધારે દંડ વસૂલાત અને નિયમ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે.
