સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામમાં 60 વર્ષીય અલકાબેન વસંત માળીના બંધ મકાનમાંથી થયેલી રૂ.14.28 લાખની ચોરીનો ભેદ સુરત ગ્રામ્ય પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે મહારાષ્ટ્રના જલગાંવથી ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ બાદ ચોરાયેલા સોનાના દાગીના ખરીદીને ગાળી નાખનાર સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે.
અલકાબેન કીમના રણછોડનગર વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરે ફૂલો વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, 4 ઓગસ્ટે તેમના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. તસ્કરોએ કબાટ તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.14.28 લાખની મત્તા ચોરી કરી હતી. આ અંગે 19 ઓગસ્ટે કીમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
ટેકનિકલ તપાસના આધારે જલગાંવ સુધી પહોંચી પોલીસ
સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કીમ પોલીસની ટીમે ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન પોલીસ જલગાંવ સુધી પહોંચી અને મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી મળેલી માહિતીના આધારે ચોરાયેલા સોનાના દાગીના ખરીદીને ગાળી નાખનાર સોની સુધી પોલીસ પહોંચી હતી.
પોલીસે જણાવ્યું છે કે કેસમાં રૂ.2.37 લાખ રોકડ મળી આવી છે. આ ઉપરાંત રૂ.6 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવીને અને બાકીની રકમ સહિત ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મહિલાએ પોલીસનો આભાર માન્યો
ચોરાયેલી મરણમૂડી અને મહેનતની કમાણી પરત મળતાં અલકાબેન ભાવુક બન્યા હતા. તેમણે સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી કીમ પોલીસ અને તપાસ ટીમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સંઘવીએ તેમને સાંત્વના આપી હતી.
અલકાબેને જણાવ્યું કે પોલીસની સતત મહેનતથી તેમને ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું કે તેઓ કીમના હનુમાનજી મંદિરે ફૂલો વેચીને જીવનનિર્વાહ કરે છે અને શનિવારે ચોરાયેલી રકમ પરત મળવી તેમના માટે ભાવનાત્મક ક્ષણ રહી.
