ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે સુરતથી ગયેલા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના અલથાણ વિસ્તારથી 14 લોકોનું ગ્રુપ કેદારનાથ દર્શન માટે ગયું હતું.
મળતી માહિતી મુજબ, આ ગ્રુપમાંથી ત્રણ યાત્રાળુઓનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 11 લોકો હજુ કેદારનાથમાં ફસાયેલા છે. સતત વરસાદને કારણે યાત્રાળુઓને રહેવા અને ખાવા-પીવાની મુશ્કેલી પડી રહી હોવાની માહિતી સામે આવી છે.
વીડિયો દ્વારા મદદની અપીલ
અલથાણના રહેવાસી રંજનબેન પંચાલે વીડિયો બનાવી ગુજરાત સરકાર અને સંબંધિત તંત્ર પાસે તાત્કાલિક મદદની અપીલ કરી છે. વીડિયોમાં તેમણે ફસાયેલા યાત્રાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મદદ કરવાની વિનંતી કરી છે.
યાત્રાળુઓના પરિવારજનો હાલ તેમના સુરક્ષિત રેસ્ક્યૂની રાહ જોઈ રહ્યા છે. ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા માર્ગ પર અન્ય યાત્રાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બચાવ કામગીરી ચાલુ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
