ઉત્તરાખંડના કેદારનાથ વિસ્તારમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે સુરતથી યાત્રાએ ગયેલા 14 સભ્યોના જૂથની મુશ્કેલી વધી છે. ઉપલબ્ધ અહેવાલો અનુસાર, આ જૂથમાંથી 3 યાત્રાળુઓને હેલિકોપ્ટર મારફતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના 11 યાત્રાળુઓ હજુ કેદારનાથમાં ફસાયેલા છે.

સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા રંજનબેન પંચાલે વીડિયો દ્વારા મદદની અપીલ કરી હોવાનું જાણવા મળે છે. પરિવારજનોએ જણાવ્યું કે સતત વરસાદને કારણે યાત્રાળુઓને ખાવા-પીવા અને રહેવાની મુશ્કેલી પડી રહી છે. તેમણે ગુજરાત સરકાર તેમજ ઉત્તરાખંડના સ્થાનિક તંત્રને બાકી રહેલા યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા વિનંતી કરી છે.

ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા માર્ગના કેટલાક ભાગોમાં અવરજવર પ્રભાવિત થઈ છે. વહીવટી તંત્ર દ્વારા હવામાન અને માર્ગની સ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે. હાલ 11 યાત્રાળુઓના રેસ્ક્યૂ અંગે પરિવારજનો રાહ જોઈ રહ્યા છે.