દહેજમૃત્યુ અને પરિણીત મહિલાઓ સાથે ક્રૂરતાના કેસોમાં વિલંબ ઘટાડવા ગુજરાત હાઈકોર્ટે રાજ્યની તમામ જિલ્લા અદાલતોના ન્યાયિક અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિના નિર્દેશથી જારી પરિપત્રમાં કેસોની સમયસર સુનાવણી અને સાક્ષીઓની જુબાની ઝડપથી નોંધવા પર ભાર મૂકાયો છે. આ પગલું સુપ્રીમ કોર્ટના આ જ પ્રકારના કેસો ઝડપી ચલાવવા અંગેના નિર્દેશોના અનુસંધાનમાં લેવાયું છે.

પરિપત્ર મુજબ, ભારતીય દંડ સંહિતાની કલમ 304-બી અને 498-એ તેમજ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 80 અને 85 હેઠળના કેસોને શક્ય હોય ત્યાં સુધી પ્રાથમિકતા આપવાની રહેશે. આ જોગવાઈઓ અનુક્રમે દહેજમૃત્યુ અને પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા પરિણીત મહિલા સાથે થતી ક્રૂરતાને લગતી છે.

જૂના કેસોની નિયમિત સમીક્ષા

ત્રણ વર્ષથી વધુ સમયથી પડતર કેસો ઓળખીને જિલ્લા અદાલતોએ માસિક અથવા ત્રિમાસિક સમીક્ષા દ્વારા તેની પ્રગતિ પર નજર રાખવાની રહેશે. ચાર્જશીટ દાખલ થયા પછી 60થી 90 દિવસમાં આરોપ ઘડવાની પ્રક્રિયા હાથ ધરવા સૂચના અપાઈ છે. ત્યારબાદ સાક્ષીઓની જુબાની શક્ય હોય ત્યાં સુધી રોજેરોજ નોંધવાની રહેશે. આ માટે ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 309 અથવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 346નો ઉલ્લેખ કરાયો છે.

બિનજરૂરી મુદતો ટાળવા અને મુદત આપવી પડે તો તેનું કારણ લેખિતમાં નોંધવા પણ જણાવાયું છે. આરોપી પક્ષના વકીલ પૂરતા કારણ વિના વારંવાર હાજર ન રહે ત્યારે એમિકસ ક્યુરીની નિમણૂક કરવાનો વિકલ્પ સૂચવાયો છે. તપાસ અધિકારીની બદલી કે નિવૃત્તિ થાય તો કેસની કાર્યવાહી અટકે નહીં તે માટે વૈકલ્પિક તપાસ અધિકારી રાખવાની સૂચના પણ છે.

સાક્ષીઓ માટે અગાઉથી સમયપત્રક

આરોપ ઘડાયા બાદ ટ્રાયલ કોર્ટને સાક્ષીઓની જુબાની માટેનું સમયપત્રક તૈયાર કરવાનું રહેશે. તેમાં સમન્સ, સુનાવણીની તારીખો અને પુરાવા રજૂ કરવાનો ક્રમ નક્કી કરાશે. તપાસ અધિકારીઓએ સમન્સ સમયસર પહોંચે અને સાક્ષીઓ નિર્ધારિત તારીખે કોર્ટમાં હાજર રહે તેની ખાતરી કરવાની રહેશે.

સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશોમાં પણ ચાર્જશીટ પછી 60થી 90 દિવસમાં આરોપ ઘડવાની દિશા, સાક્ષીઓની જુબાની સતત અથવા રોજેરોજ નોંધવાની જરૂરિયાત અને બિનજરૂરી મુદતો અટકાવવાની બાબતો સામેલ છે. ગુજરાત હાઈકોર્ટનો પરિપત્ર રાજ્યની જિલ્લા અદાલતોમાં આ સમયબદ્ધ પ્રક્રિયા અમલમાં મૂકવા માટે છે.