સુરત ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર, ઘલુડી ખાતે ‘સુરક્ષા શક્તિ’ અને ‘વિદ્યાર્થી જાગૃતિ અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. સુરત ગ્રામ્ય પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી, સુરક્ષા અને સાયબર છેતરપિંડીથી બચવા અંગે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઘોડાઓની પરેડ અને સ્નિફર ડોગ્સનું નિદર્શન રજૂ કરાયું હતું. પોલીસની કામગીરીમાં આ સાધનો અને ટીમો કેવી રીતે ઉપયોગી થાય છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું. નાનાંથી લઈને આધુનિક હથિયારોનું પ્રદર્શન પણ ગોઠવાયું હતું. હથિયારોના ઉપયોગ અને મહત્ત્વ અંગે માહિતી આપવાની સાથે ગુનેગારોને પકડવા અને ગુનાની તપાસમાં પોલીસ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનું જીવંત નિદર્શન કરાયું હતું.

સાયબર છેતરપિંડીથી બચવા માર્ગદર્શન

વિદ્યાર્થીઓને અજાણ્યા ફોન, શંકાસ્પદ લિંક અને સોશિયલ મીડિયા મારફતે થતી છેતરપિંડીથી સાવચેત રહેવા સમજાવવામાં આવ્યું હતું. આવી લિંક પર ક્લિક કરતાં કે અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત માહિતી વહેંચતાં પહેલાં સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. કાર્યક્રમમાં સાયબર સુરક્ષા ઉપરાંત જીવનમાં શિસ્ત અને વ્યક્તિગત સુરક્ષાના મહત્ત્વ અંગે પણ માર્ગદર્શન અપાયું.

DYSP આઈ. જે. પટેલ અને PI જે. બી. રમા સહિતના પોલીસ અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે સુરક્ષા અને શિસ્ત અંગે વાત કરી હતી. કાર્યક્રમનો હેતુ પોલીસની કામગીરીનો પરિચય કરાવવા સાથે વિદ્યાર્થીઓમાં સલામતી અને સાયબર જાગૃતિ વધારવાનો હતો.