આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસના અંતરિમ જામીન આપ્યા છે. જેલમાં રહેલા વસાવાએ ભાઈની મુલાકાત માટે કોર્ટમાં રાહત માગી હતી. અગાઉ ગુજરાત હાઈકોર્ટે તેમને એક દિવસ માટે જામીન મંજૂર કર્યા હતા.
જામીન મળ્યા પછી ચૈતર વસાવા સુરત સિવિલ હોસ્પિટલમાં નાના ભાઈની ખબર-અંતર પૂછવા અને તેમની સંભાળ લેવા પહોંચ્યા હતા. આપના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પણ હોસ્પિટલમાં તબીબો સાથે સારવાર અંગે ચર્ચા કરી હતી.
ભાઈની હાલત ગંભીર, સારવાર અંગે તબીબો સાથે ચર્ચા
સોરઠીયાએ મુલાકાત સમયે જણાવ્યું હતું કે, વસાવાના નાના ભાઈ છેલ્લા 12 દિવસથી સુરત સિવિલ હોસ્પિટલમાં લાઇફ સપોર્ટ પર છે. તેમની સ્થિતિ હજુ ગંભીર હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કપરા સમયમાં રાહત આપવા બદલ કોર્ટનો અને સારવાર કરી રહેલા તબીબોનો આભાર માન્યો હતો.
સોરઠીયાના જણાવ્યા અનુસાર, તબીબોએ દર્દીને આગામી બે-ત્રણ દિવસ સુધી હાલની સારવાર પર રાખવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દર્દીનો જીવ બચાવવા સિવિલ હોસ્પિટલના તબીબો સતત પ્રયાસ કરી રહ્યા છે.
તબિયતમાં સુધારો ન થાય તો તબીબોની સલાહ પ્રમાણે અન્ય મોટી હોસ્પિટલમાં ખસેડવાનો વિકલ્પ વિચારવામાં આવશે. જોકે, દર્દીને અન્યત્ર ખસેડવાનો કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.
સોરઠીયાએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ તબીબો સાથે સતત ચર્ચા કરવામાં આવશે. જરૂર જણાશે તો દિલ્હી, મુંબઈ અથવા અન્ય સ્થળે વધુ સારવારની વ્યવસ્થા કરવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ચૈતર વસાવા લાંબા સમયથી જેલમાં હોવાથી ભાઈની ગંભીર બીમારી પરિવાર માટે વધુ મુશ્કેલ બની છે. આગળની સારવાર અંગે નિર્ણય તબીબોની સલાહને આધારે લેવાશે.
