સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક નહેરમાં એક પરિવારના સભ્યોને ફેંકી દેવાના કેસમાં બારડોલી પોલીસે મહારાષ્ટ્રમાંથી એક શખ્સની અટકાયત કરી છે. પોલીસ ફરાર મુખ્ય આરોપીને શોધી રહી છે. અટકાયત કરાયેલા શખ્સની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 13 વર્ષનો એક કિશોર બચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં વીમા વિવાદની શક્યતા તપાસવામાં આવી રહી છે. આશંકા છે કે બોગસ વીમાનો ભાંડો ફૂટે નહીં તે માટે વીમા કંપની સાથેના વિવાદમાં સાક્ષી રહેલા લોકોને નિશાન બનાવાયા હોય. જોકે, આ કારણની પુષ્ટિ થઈ નથી.
પોલીસે વીમા વિવાદ સહિત ત્રણ અલગ પાસાંને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી છે. મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને બારડોલી પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. જાડેજા સાથે ફોન પર વાત કરી તપાસની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. હાલ અટકાયત કરાયેલા શખ્સની ભૂમિકા અને ફરાર મુખ્ય આરોપી અંગેની વિગતો સ્પષ્ટ નથી.
