સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભણ ગામ નજીકની નહેરમાંથી ત્રણ વર્ષના પ્રથમેશ પાટીલનો મૃતદેહ મળી આવ્યો છે. સગાઓએ તેની ઓળખ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ મૃતદેહને નહેરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના આ પરિવારના છ સભ્યોને નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હોવાની ઘટનામાં આ ચોથો મૃતદેહ છે. આ પહેલાં માતા-પિતા નીતિન અને કવિતા પાટીલ તથા તેમની નવ વર્ષની પુત્રી સ્વીટીના મૃતદેહ મળ્યા હતા. પરિવારનો 13 વર્ષનો એક દીકરો જીવતો બચ્યો હતો. હવે પરિવારનું બીજું બાળક હજુ લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે.
આરોપીની ધરપકડ, તપાસ ચાલુ
બારડોલી પોલીસે આ કેસમાં દયાનંદ ઉર્ફે ખાંડ્યાની મહારાષ્ટ્રના જલગાંવ નજીકથી ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ આઠ દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને અન્ય આરોપીઓને શોધી રહી છે.
પોલીસ તપાસમાં પરિવારના સભ્યોનાં મોત પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વીમા પોલિસી સંબંધિત કૌભાંડ આ ઘટનાથી જોડાયેલું હોઈ શકે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે, પરંતુ આ કડીની તપાસ બાકી છે. આરોપીની પૂછપરછ અને અન્ય શંકાસ્પદોની શોધખોળ બાદ જ ઘટનાક્રમ તથા કથિત વીમા કૌભાંડ સાથેના સંબંધ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. હાલ નહેરમાં લાપતા બાળકની શોધ ચાલુ છે.
