વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આર્મ્સ એક્ટના કેસમાં દોઢ વર્ષથી ફરાર હોવાનું જણાવાતા એક આરોપીને સુરતના નાના વરાછા વિસ્તારમાંથી ઝડપી લીધો છે. પોલીસે આરોપીની ઓળખ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના જૌરા વિસ્તારના રહેવાસી ધર્મસિંગ ગોપાલસિંગ કુશવાહ (ઉંમર 27) તરીકે આપી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 24 ફેબ્રુઆરી, 2025ના રોજ વડોદરાના ગોલ્ડન ચોકડી નજીક એક વ્યક્તિ પાસેથી લાયસન્સ વિના એક ઓટોમેટિક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પૂછપરછમાં સપ્લાયરનું નામ સામે આવ્યું હતું
પોલીસના જણાવ્યા મુજબ, તે સમયે ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન પિસ્તોલ અને કારતૂસ ધર્મસિંગે પૂરા પાડ્યા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે ધરપકડથી બચવા માટે ફરાર રહ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે આરોપી સુરતમાં ઓળખ છુપાવીને રહેતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારપછી ટીમે નાના વરાછાના સીમાડા નાકા વિસ્તારમાં સ્વાગત સોસાયટી નજીક નજર રાખી કાર્યવાહી કરી હતી.
વધુ તપાસ હાથ ધરાઈ
પોલીસે આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિસ્તોલ અને કારતૂસ કઈ રીતે મેળવવામાં આવ્યા હતા, અન્ય કોઈ વ્યક્તિ આ હથિયાર વ્યવહારમાં સંડોવાયેલી છે કે નહીં અને હથિયારનો ઉપયોગ અન્ય કોઈ ગુનામાં થયો છે કે નહીં, તે મુદ્દે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
