સુરતના વરાછા વિસ્તારમાં પ્રેમસંબંધને લઈને થયેલી અદાવતમાં રત્નકલાકાર પર છરીથી હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, આરોપીએ યુવકને હીરાના કારખાનેથી નીચે બોલાવી શ્રીનાથ એપાર્ટમેન્ટની લોબીમાં તેની છાતીના ડાબા ભાગે છરી મારી હતી. આ કેસમાં વરાછા પોલીસે કાકા-ભત્રીજા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોઠા ગામનો અને હાલ વરાછાની ભગુનગર સોસાયટીમાં રહેતો 21 વર્ષીય હિતેશ કનુભાઈ મકવાણા માતાવાડી વિસ્તારમાં આવેલા શ્રીનાથ એપાર્ટમેન્ટના બીજા માળે હીરાના ખાતામાં કામ કરે છે. ફરિયાદ મુજબ, 22 સપ્ટેમ્બરે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ રાકેશ સોલંકીએ ફોન કરીને તેને નીચે બોલાવ્યો હતો. હિતેશ તેના મામાના દીકરા નિલેશ ગોહિલ સાથે નીચે ગયો હતો.

શ્રીનાથ એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી લોબીમાં પહોંચતા જ રાકેશે કમરમાંથી છરી કાઢીને હિતેશની છાતીના ડાબા ભાગે ઘા કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલા બાદ રાકેશના કાકા ખીમજીભાઈ ઉર્ફે ખીમાભાઈ હીરાભાઈ સોલંકી પણ ત્યાં આવ્યા હતા. ફરિયાદ મુજબ, તેમણે હિતેશને ધમકી આપી હતી કે રૂતન સાથેના સંબંધમાં કોઈ વચ્ચે આવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. ત્યારબાદ બંને આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા.

ઇન્સ્ટાગ્રામ પરની વાતચીતને લઈને વિવાદ

હિતેશે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા દોઢ વર્ષથી તેને પોતાના ગામની રૂતન સાથે પ્રેમસંબંધ હતો. અગાઉ રૂતન ઇન્સ્ટાગ્રામ મારફતે રાકેશ સોલંકી સાથે વાતચીત કરતી હતી. બાદમાં રૂતન હિતેશ સાથે વાત કરવા લાગી હોવાની જાણ થયા પછી રાકેશ ફોન કરીને તેને રૂતન સાથે વાત ન કરવા બાબતે ધમકી આપતો અને ઝઘડો કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

સારવાર બાદ પોલીસ ફરિયાદ

હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હિતેશને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેની છાતીના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા. સારવાર પૂર્ણ થયા બાદ હિતેશે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વરાછા પોલીસે રાકેશ સોલંકી અને ખીમજી સોલંકી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પીએસઆઈ વી. એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.