સુરતના અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસના ગોડાઉનમાં ઉત્રાણ પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડો પાડી શંકાસ્પદ ઘી, વનસ્પતિ, સોયાબીન તેલ અને પેકિંગ મશીનરી સહિત ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગોડાઉનમાં ઘી તૈયાર કરીને વેચાણ માટે પેક કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી.
પોલીસે ગોડાઉનમાંથી 15 કિલોના 35 ડબ્બા વનસ્પતિ ઘી, 32 ડબ્બા રિફાઈન્ડ સોયાબીન તેલ, 795 કિલો છૂટું ઘી અને ‘Saahas PREMIUM COW Ghee’ નામે પેક કરાયેલો 900 કિલો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત ઘીના નાના પાઉચ અને પેકિંગ માટેની મશીનરી પણ મળી આવી હતી. જપ્ત કરાયેલા જથ્થામાં વનસ્પતિ ઘી અને સોયાબીન તેલનો સમાવેશ થાય છે; જોકે, કબજે કરાયેલા ઘીની ગુણવત્તા અંગે અંતિમ નિષ્કર્ષ પરીક્ષણ પછી જ આવશે.
ગોડાઉનમાં મળેલો જથ્થો
મળેલી વિગતો મુજબ, 15 કિલોના 35 વનસ્પતિ ઘીના ડબ્બાની કિંમત ₹1.15 લાખ અને રિફાઈન્ડ સોયાબીન તેલના 32 ડબ્બાની કિંમત ₹97 હજાર દર્શાવવામાં આવી છે. 795 કિલો છૂટા ઘીની કિંમત ₹4.76 લાખ, જ્યારે ‘Saahas PREMIUM COW Ghee’ નામે પેક કરાયેલા 900 કિલા જથ્થાની કિંમત ₹5.40 લાખ આંકવામાં આવી છે. પાઉચ અને મશીનરી સહિત જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹18.21 લાખ જણાવાઈ છે.
ત્રણ વ્યક્તિની ધરપકડ
ધરપકડ કરાયેલા લોકોમાં સન્ની કલ્પેશભાઈ મોદી (26), કિશનભાઈ મનોજભાઈ મોદી (26) અને કલ્પેશભાઈ સુંદરલાલ મોદી (47)નો સમાવેશ થાય છે. મળેલી વિગતો અનુસાર, તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની છે અને હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે. કાર્યવાહી ઉમરા-અબ્રામા રોડ પર માધવ કેમ્પસના ગોડાઉન નંબર 18માં કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, શંકાસ્પદ ઘીના નમૂના ફૂડ સેફ્ટી વિભાગ મારફતે FSL તપાસ માટે મોકલવામાં આવ્યા છે. નમૂનાઓનો અહેવાલ આવ્યા પછી જ ઘીની બનાવટ અને ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે. હાલ પોલીસે જપ્ત કરાયેલા માલ અને પેકિંગ સાધનોને આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
