સુરત અને ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવા જઈ રહી છે. ટ્રેનનું ઉદ્ઘાટન 2 ઓક્ટોબર, 2026ના રોજ કરવામાં આવશે, જ્યારે 4 ઓક્ટોબરથી તેની નિયમિત સેવા શરૂ થશે. નવી સેવા ટ્રેન નંબર 26903 અને 26904 સાથે ચલાવવામાં આવશે.

સુરતથી ઉદયપુર જતી ટ્રેન નંબર 26903 સવારે 6.10 વાગ્યે ઉપડશે અને બપોરે 1.40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 26904 ઉદયપુર સિટીથી બપોરે 3.35 વાગ્યે રવાના થઈ રાત્રે 11 વાગ્યે સુરત પહોંચશે. આ સેવા અઠવાડિયામાં છ દિવસ ચાલશે અને દર મંગળવારે બંધ રહેશે.

ગુજરાત અને રાજસ્થાનના આ સ્ટેશનો પર સ્ટોપેજ

ટ્રેન સુરતથી ઉપડ્યા બાદ ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, આસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર ખાતે રોકાશે. આ રૂટ સુરતને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના મહત્વના શહેરો સાથે સીધી વંદે ભારત કનેક્ટિવિટી આપશે.

અગાઉ ઉદયપુર-આસારવા વચ્ચે ચાલતી વંદે ભારત સેવાને સુરત સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે 26903/26904 નંબરની સુરત-ઉદયપુર સિટી વંદે ભારતને મંજૂરી આપી હતી. નવી સેવા પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત થશે.

ન્યૂ મોડાસા-શામળાજી રોડ વિભાગમાં એન્જિન રન

આ સાથે અરવલ્લી જિલ્લામાં ન્યૂ મોડાસા અને શામળાજી રોડ વચ્ચેના 17.27 કિલોમીટર લાંબા નવા રેલવે વિભાગમાં 30 સપ્ટેમ્બરે એન્જિન રન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ વિભાગમાં 4 મેજર બ્રિજ, 19 માઇનોર બ્રિજ, 12 LHS/RUB, 2 લેવલ ક્રોસિંગ અને 8 ગોળાઈઓનું કામ પૂર્ણ થયું છે.

વિભાગમાં આશરે 8 લાખ ઘનમીટર અર્થવર્ક અને 60,500 ઘનમીટર બ્લેન્કેટિંગનું કામ પણ કરવામાં આવ્યું છે. એન્જિન રન પૂર્ણ થતાં વિભાગના કમિશનિંગ તરફનું મહત્વપૂર્ણ પગલું પૂર્ણ થયું છે, જ્યારે બાકી કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે.