સુરત શહેરના લાલગેટ અને અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા બે ચર્ચમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. CCTV ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશના રહેવાસી અનિલ જલિયા પારગી (ઉંમર 27)ની ધરપકડ કરી છે. તેની પાસેથી કુલ રૂ. 85,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
14 સપ્ટેમ્બરે ચોક ચાર રસ્તા પાસે આવેલા CNI ક્રાઇસ્ટ ચર્ચની પાછળની બારીમાંથી પ્રવેશ કરીને મેઇન ઓફિસનું તાળું તોડવામાં આવ્યું હતું. આ ઘટનામાં રૂ. 36 હજાર રોકડા અને મ્યુઝિક સિસ્ટમ સહિત રૂ. 46 હજારની ચોરી થઈ હતી. ત્યારબાદ 23 સપ્ટેમ્બરે અઠવાલાઇન્સના અવર લેડી ઓફ માઉન્ટ કારમેલ ચર્ચમાંથી રૂ. 40 હજાર રોકડા ચોરાયા હતા.
દાનના બહાને રેકી કર્યાનો પોલીસનો દાવો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પ્રાર્થના કરવા અને દાનપેટીમાં દાન આપવા જેવા બહાને ચર્ચમાં જતો હતો અને સ્થળની રેકી કરતો હતો. ત્યારબાદ રાત્રિના સમયે ચર્ચની પાછળની બારીમાંથી પ્રવેશ કરીને ચોરી કરતો હોવાનો ખુલાસો થયો છે. પૂછપરછ દરમિયાન તેણે બંને ચર્ચમાં ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચે બંને ચર્ચ અને આસપાસના વિસ્તારોના CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં દેખાયેલા શંકાસ્પદ શખ્સનું પગેરું પાલિયા ગ્રાઉન્ડની ઝૂંપડપટ્ટી સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ડુંડકા પંચકુઈનો છે અને હાલ જીલાની બ્રિજ નીચે રહેતો હતો.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં MUSIMAX કંપનીનું મલ્ટીમીડિયા સ્પીકર, રૂ. 54,500 રોકડા, એક સીલિંગ ફેન અને રૂ. 20 હજારની કિંમતનો મોબાઇલ ફોન સામેલ છે. ઉપરાંત તાળા તોડવા માટે વપરાતી એક હથોડી અને બે પાના પણ મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
