સુરતના કાપડ બજારના વેપારીઓ સાથે કાપડ ખરીદીને બાકી પેમેન્ટ ન ચૂકવવાના ત્રણ અલગ કેસમાં સારોલી પોલીસે અમદાવાદમાંથી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રણેય કેસમાં ફરિયાદીઓએ કુલ 21,97,354 રૂપિયાની બાકી રકમનો આક્ષેપ કર્યો છે.
સંગીની ટ્રેડ સેન્ટરમાં માંધાતા એન.એક્સ.ના નામે વેપાર કરતા દિનેશ પાંડેની ફરિયાદ મુજબ, 11 માર્ચ 2024ના રોજ 5,77,179 રૂપિયાનો ફિનિશ્ડ કાપડનો માલ ખરીદાયો હતો. ફરિયાદમાં સલીમ ઐયુબભાઈ રમકડાવાલા અને દલાલ ઉમેદસિંગ સામે પેમેન્ટ ન ચૂકવવાનો આક્ષેપ છે.
આર.આર.ટી.એમ.-02 માર્કેટના રામદેવ ટેક્સટાઇલના રોશનકુમાર રાઠીની ફરિયાદમાં 10 ઓગસ્ટ 2024થી 5 ઓગસ્ટ 2025 દરમિયાન 11,75,590 રૂપિયાનો માલ ખરીદાયો હોવાનું કહેવાયું છે. તેમાં શરૂઆતમાં થોડું પેમેન્ટ કરાયા બાદ 5,50,077 રૂપિયા બાકી રહ્યા હોવાનો આક્ષેપ છે.
આર.કે.એલ.પી. માર્કેટના રુદ્રયોગી ફેબના મેનેજર રોશનકુમાર રાઠીની ફરિયાદ મુજબ, જે.એન. ક્રીએશન સાથેના વ્યવહારમાં 15,83,385 રૂપિયાનો માલ ખરીદાયો હતો. ફરિયાદમાં માલ પરત કરવા અને કેટલીક દલાલી રકમ જમા કરાવવા છતાં 10,70,098 રૂપિયા બાકી હોવાનું જણાવાયું છે.
દલાલો મારફતે વેપારીઓનો સંપર્ક
પોલીસ તપાસ અંગેના અહેવાલ મુજબ, આ કેસોમાં દલાલો મારફતે સુરતના વેપારીઓનો સંપર્ક કરાતો હતો. ફરિયાદોમાં શરૂઆતના નાના વ્યવહારોમાં પેમેન્ટ કરીને વિશ્વાસ મેળવ્યા બાદ મોટા ઓર્ડર ઉધાર લેવાનો અને પછી બાકી રકમ ન ચૂકવવાનો આક્ષેપ છે.
પકડાયેલા લોકોમાં સલીમ રમકડાવાલા, રહમતુલ્લાહ મોહમ્મદ નાસિર શેખ અને વિક્કી રાજકુમાર રોહરાનો સમાવેશ થાય છે. સારોલી પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી અમદાવાદમાં કાર્યવાહી કરી હતી. આરોપીઓ સામેના આક્ષેપો અંગે કાયદેસરની પ્રક્રિયા ચાલુ છે.
