સુરત જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર પીપોદરા નજીક બાઈકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર ત્રણ યુવકોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય યુવકો અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક ચાલકનું અચાનક ધ્યાન ભટકતાં વાહન પરથી કાબૂ છૂટી ગયો હતો. બાઈક ડિવાઈડર પર ચઢી ગયા બાદ રસ્તાની વચ્ચે આવેલા લાઇટના પોલ સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ત્રણેય યુવકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અન્ય બે યુવકોને પણ ગંભીર ઇજાઓ થઈ હતી, જેમાંથી એકની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની ટીમે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી

અકસ્મતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલે ગુનો નોંધીને અકસ્માતના કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.