સુરતના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામની 56 વર્ષીય મંજુલાબેન કાંતિભાઈ પટેલના અંગદાનથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન અને નવી દૃષ્ટિ મળવાની આશા ઊભી થઈ છે. મંજુલાબેનના પરિવારે તેમની બંને કિડની, લીવર અને બંને ચક્ષુઓનું દાન કર્યું હતું. આ પ્રક્રિયા સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના સહયોગથી હાથ ધરાઈ હતી.
મંજુલાબેન 1 ઓક્ટોબરે બપોરે તેમના પતિ કાંતિભાઈ સાથે ટુ-વ્હીલર પર કવાસથી નઘોઈ પરત ફરી રહ્યાં હતાં. ભેસાણ ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કર બાદ તેમને ગંભીર ઈજા થઈ હતી. પ્રાથમિક સારવાર પછી તેમને લાઈફલાઈન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સીટી સ્કેનમાં બ્રેઇન હેમરેજ જણાતાં ન્યુરોસર્જન ડૉ. હરીન મોદીએ સર્જરી કરી હતી.
તબીબી સારવાર છતાં સ્થિતિમાં સુધારો ન થતાં 3 ઓક્ટોબરે તબીબોની ટીમે મંજુલાબેનને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. પરિવારને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યા બાદ સ્વજનોએ સંમતિ આપી. પરિવાર તરફથી એવો અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે અંગોનો ઉપયોગ અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે થઈ શકે તો દાન કરવું જોઈએ.
પરિવારની સંમતિથી અંગદાનની પ્રક્રિયા
મંજુલાબેન ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલના પાડોશી તથા સગાં મામી હતાં. તેમના પુત્ર જેનીશ પટેલ ધારાસભ્યના કાર્યાલયમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. મંજુલાબેનને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા બાદ મુકેશભાઈ પટેલે ડોનેટ લાઈફના પ્રતિનિધિઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સંસ્થાની ટીમે પરિવારજનોને અંગદાનની પ્રક્રિયા સમજાવી હતી.
લાઈફલાઈન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ OTRH તરીકે નોંધાયેલી ન હોવાથી SOTTOની મંજૂરી લેવામાં આવી હતી. ચકાસણી બાદ હોસ્પિટલને આ કેસ માટે વન-ટાઈમ પરવાનગી આપવામાં આવી અને અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.
સુરત પોલીસનો 145મો ગ્રીન કોરિડોર
મંજુલાબેનનું લીવર અને બંને કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલ માટે ફાળવવામાં આવ્યા હતા. અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસે માર્ગ પર ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. ડોનેટ લાઈફ અને સંબંધિત તબીબી ટીમોના સંકલનથી અંગોનું પરિવહન કરવામાં આવ્યું.
આ સુરત પોલીસ દ્વારા અંગોના ઝડપી પરિવહન માટે બનાવવામાં આવેલો 145મો ગ્રીન કોરિડોર હતો. મંજુલાબેનના બંને ચક્ષુઓ લોકદૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યા હતા.
ડોનેટ લાઈફના જણાવ્યા અનુસાર, સંસ્થાએ અત્યાર સુધીમાં કુલ 1,409 અંગો અને ટિશ્યુનું દાન કરાવવામાં સહયોગ આપ્યો છે. તેના માધ્યમથી દેશ-વિદેશના આશરે 1,300 જરૂરિયાતમંદ લોકોને નવજીવન અથવા નવી દૃષ્ટિ મળવામાં મદદ થઈ છે.
