સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 104મું સફળ અંગદાન નોંધાયું છે. મૂળ ઝારખંડના અને હાલ કડોદરાના અંત્રોલી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય મંગરુ બુધરામ ઉરોવના લિવર અને બંને કિડનીનું દાન કરાયું. આ અંગો જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે અમદાવાદની IKD હોસ્પિટલની તબીબી ટીમ લઈ ગઈ હતી. આ અંગદાનથી ત્રણ દર્દીઓને સારવારનો લાભ મળશે.
મળેલી વિગતો અનુસાર, મંગરુભાઈ લાકડાના કામ સાથે સંકળાયેલા હતા. 17મીએ સાંજે 7:30 વાગ્યે તેઓ ઘરે અકસ્માતે પડી ગયા બાદ છાતીમાં ગભરામણ થઈ હતી. સાથે રહેતા તેમના ભાઈ રાધેએ પરિવારને જાણ કરી અને તેમને નજીકની સંજીવની હોસ્પિટલમાં લઈ જવાયા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તબીબોની સલાહથી 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
નવી સિવિલના આઈ.સી.યુ.માં સારવાર દરમિયાન તેમની સ્થિતિ ગંભીર રહી. સી.એમ.ઓ. ડૉ. રાજેન્દ્રસિંહ સોલંકી, ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ. જય પટેલ અને ન્યુરોસર્જન ડૉ. કેયુર પ્રજાપતિની ટીમે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.
પરિવારની સંમતિથી અંગદાન
બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તબીબી ટીમ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક ઈકબાલ કડીવાલા અને કાઉન્સેલર નિર્મલાબેન કાથુડે પરિવારજનો સાથે અંગદાન અંગે વાત કરી હતી. આ પ્રક્રિયામાં મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યા, ડૉ. રાધિકા, ડૉ. સંસ્કૃતિ, ડૉ. ઝલક, ડૉ. અષ્ટા અને ડૉ. બરિરા પણ જોડાયા હતા. મંગરુભાઈના ત્રણ ભાઈઓ અને એક બહેન સહિતના પરિવારજનોએ શોકની ઘડીમાં અંગદાન માટે સંમતિ આપી.
પરિવારે જણાવ્યું કે અંગદાનથી કોઈનું જીવન બચી શકે તે જાણીને તેમને સંતોષ છે. તેમના ગામ અને પરિવારમાં પણ અંગદાન અંગે જાગૃતિ વધે અને લોકો આ માટે પ્રેરાય તેવી તેમની ઇચ્છા છે.
નવી સિવિલના તબીબી અધિક્ષક ડૉ. પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ અંગદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અમદાવાદની IKD હોસ્પિટલની ટીમે લિવર અને બંને કિડની સ્વીકારી. નવી સિવિલના તબીબી અને નર્સિંગ સ્ટાફ, સ્વયંસેવકો તથા સુરક્ષા કર્મચારીઓએ પ્રક્રિયામાં સહયોગ આપ્યો.
