સુરતના લીંબાયત વિસ્તારમાં જાહેર સુવિધાઓ માટે બનાવાયેલા બે પે એન્ડ યુઝ શૌચાલય લાંબા સમયથી બંધ પડ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. નંદનવન સોસાયટી પાસે આશરે ₹38 લાખના ખર્ચે બનાવાયેલું શૌચાલય સિવિલ કામ પૂર્ણ થયા પછી બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં લોકઉપયોગ માટે શરૂ થયું નથી. બીજી તરફ, શિવ હીરાનગર વિસ્તારમાં આવેલું શૌચાલય પણ છેલ્લા છ મહિનાથી તાળાબંધ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
નંદનવનમાં બનેલા શૌચાલયમાં નળ, કમોડ સહિતની સેનેટરી સામગ્રી બેસાડવામાં આવી છે. જોકે, ઉપયોગ શરૂ ન થતાં આ સામગ્રી બગડવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શૌચાલય બંધ હોવા છતાં તેની જાળવણી અને સમયાંતરે રંગરોગાન પાછળ ખર્ચ કરવામાં આવે છે. આ સુવિધા ચલાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ આસપાસના વાતાવરણ અને સંચાલનની મુશ્કેલીઓને કારણે એજન્સીઓ આગળ આવી ન હોવાનું જણાવાયું છે.
રેલવે ટ્રેક પાસેના વાતાવરણ અંગે સ્થાનિકોની ફરિયાદ
સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે શૌચાલય નજીક અને રેલવે ટ્રેકને અડીને આવેલા વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે છે. સાંજના સમયે નશાખોર અને અસામાજિક તત્વોની અવરજવર વધતી હોવાથી મહિલાઓ સહિતના રહેવાસીઓ માટે ત્યાં જવું અસુરક્ષિત લાગે છે. પરિણામે, લોકો માટે બનાવાયેલી સુવિધાનો ઉપયોગ થતો નથી.
શિવ હીરાનગરના શૌચાલય અંગે પણ સ્થાનિકોએ સમાન સમસ્યા જણાવી છે. તેમના કહેવા મુજબ, અગાઉ શૌચાલય ચાલુ હતું, પરંતુ રેલવે લાઇન તરફના વિસ્તારમાં નશાખોરો દાદાગીરી કરીને મફતમાં પ્રવેશતા હતા. ગંદકી અને અસુરક્ષિત વાતાવરણને કારણે સંચાલકોએ અંતે શૌચાલય બંધ કરી દીધું હોવાનું જણાવાયું છે.
રજૂઆતો છતાં ઉકેલ ન આવ્યો હોવાનો આક્ષેપ
સ્થાનિક સામાજિક કાર્યકર્તા શુભમ ચાંદેલકરના જણાવ્યા અનુસાર, નંદનવનનું શૌચાલય 2024માં તૈયાર થઈ ગયું હતું. તેમણે આ મુદ્દે પાલિકા અધિકારીઓ, ડેપ્યુટીમેયર અને સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. ગાંધીનગરના PG પોર્ટલ પર પણ ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી હોવાનો તેમનો દાવો છે.
ચાંદેલકરે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે અને શૌચાલય શરૂ કરવા માટે હજુ સુધી અસરકારક નિર્ણય લેવાયો નથી. હવે સ્થાનિકો પાલિકા દ્વારા બંને સ્થળે સુરક્ષા, સંચાલન અને જાળવણી અંગે સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
