સુરત શહેરના કોટ વિસ્તારમાં તાપીપુરા નજીક આઈ.પી. મિશન સ્કૂલ પાસે સોમવાર, 5 ઓક્ટોબરની મોડી રાત્રે પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટી પડતાં માર્ગનો એક મોટો હિસ્સો બેસી ગયો હતો. લાઈનમાંથી પાણી બહાર આવતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યું હતું.
આ કામગીરી સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી પાઈપલાઈન ફ્લશિંગ પ્રક્રિયાનો ભાગ હતી. કોટ વિસ્તારમાં લાંબા સમયથી ઓછા દબાણે પાણી મળવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આઈ.પી. મિશન સ્કૂલની સામે નવી પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી છે. ટાંકીમાંથી જળવિતરણ વ્યવસ્થા શરૂ કરતા પહેલાં પાઈપલાઈનોને સાફ કરવા અને તેમાં રહેલો કચરો દૂર કરવા ફ્લશિંગ કામગીરી હાથ ધરાઈ રહી હતી.
હાઈ-પ્રેશર ફ્લશિંગ દરમિયાન પાઈપલાઈન તૂટી
મોડી રાત્રે ચાલી રહેલી હાઈ-પ્રેશર ફ્લશિંગ કામગીરી દરમિયાન પાઈપલાઈન અંદરથી તૂટી પડ્યાનું સામે આવ્યું હતું. તેના કારણે જમીનનું ધોવાણ થયું અને ડામરનો રસ્તો ધસી પડ્યો હતો. માર્ગનો મોટો ભાગ બેસી જતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું હતું.
ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની હાઈડ્રોલિક અને ઝોનલ ટીમો સ્થળ પર પહોંચી હતી. અકસ્માત ટાળવા માટે ક્ષતિગ્રસ્ત વિસ્તારની આસપાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. તંત્રએ મુખ્ય વાલ્વ બંધ કરીને માર્ગ પર વહેતું પાણી રોક્યું હતું.
જળ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી
મનપાએ રાતોરાત પાઈપલાઈનના સમારકામની કામગીરી શરૂ કરી હતી. ઉપલબ્ધ અહેવાલ મુજબ ક્ષતિગ્રસ્ત લાઈનનું સમારકામ પૂર્ણ કરી વિસ્તારમાં જળ પુરવઠો ઝડપથી પૂર્વવત કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. નવી ટાંકી અને સંબંધિત પાઈપલાઈન વ્યવસ્થા સત્તાવાર રીતે શરૂ થયા બાદ કોટ વિસ્તારના ઓછા દબાણવાળા પાણીના પ્રશ્નમાં રાહત મળવાની અપેક્ષા છે.
