સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં વર્ષ 2022માં બનેલી ત્રણ મહિલાઓના મોતની ઘટનાનો ભેદ ચાર વર્ષ બાદ ઉકેલાયો હોવાનો પોલીસે દાવો કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય પોલીસની તપાસ દરમિયાન વડફળિયામાં આવેલા એક ઘરના આંગણામાં ખોદકામ કરાતા માનવ હાડપિંજર મળી આવ્યા હતા. પોલીસે આ હાડપિંજરને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં માધવદાસ ભક્તિરામ સાધુ અને તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં બંનેની સંડોવણી ઉર્મિલાની બહેન ભગવતીબેન વસાવા, માધવદાસની માતા મંજુલાબેન ભક્તિરામ સાધુ અને ઉર્મિલાની દાદી શાંતાબેન ગંભીરભાઈ વસાવાના મોત સાથે જોડાઈ હોવાનું સામે આવ્યું છે.

2022માં એક પછી એક ત્રણ મહિલાઓનાં મોત

પોલીસના દાવા મુજબ, પહેલી ઘટના 25 ફેબ્રુઆરી 2022ની છે. ઉર્મિલાની બહેન ભગવતીબેન ક્ષયરોગથી પીડાતી હતી. આરોપી દંપતીએ ઓશીકાથી તેનું મોઢું દબાવી તેની હત્યા કરી હોવાનો આરોપ છે. ત્યારબાદ તેના મોતને બીમારીને કારણે થયેલું કુદરતી મૃત્યુ બતાવી મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.

19 જુલાઈ 2022ના રોજ માધવદાસની માતા મંજુલાબેનનું મોત થયું હતું. તેઓ લકવાના કારણે પથારીવશ હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, તેમનું પણ ઓશીકાથી મોઢું દબાવી મોત કરાયું હતું અને બીમારીને કારણે મૃત્યુ થયું હોવાનું જણાવી અંતિમવિધિ કરવામાં આવી હતી.

ત્રીજી ઘટના 7 ઓક્ટોબર 2022ની હોવાનું તપાસમાં જણાવાયું છે. ઉર્મિલાની દાદી શાંતાબેન ઊંઘમાં હતાં ત્યારે તેમની હત્યા કરવામાં આવી હોવાનો પોલીસનો આરોપ છે. તપાસ મુજબ, મૃતદેહને ડ્રમમાં મૂકીને તેમાં સિમેન્ટ અને પાણી ભરવામાં આવ્યું હતું. બાદમાં ઘરના આંગણામાં આશરે 4થી 5 ફૂટ ઊંડો ખાડો ખોદી મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો અને ઉપર સિમેન્ટનો જાડો પડ નાખવામાં આવ્યો હતો.

પત્નીને ફસાવવાની ફરિયાદથી તપાસ આગળ વધી

આ કેસનો પર્દાફાશ પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ વિવાદ બાદ થયો હોવાનું પોલીસનું કહેવું છે. માધવદાસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કોસંબા પોલીસનો સંપર્ક કરીને તેની પત્ની ઉર્મિલા તથા તેના પિતરાઈ ભાઈ અફઝલ પર શાંતાબેનની હત્યાનો આરોપ મૂક્યો હતો.

પોલીસે અફઝલની પૂછપરછ કરતાં તેની સંડોવણી સામે આવી ન હતી. આથી તપાસનો દોર માધવદાસ તરફ વળ્યો. કડક પૂછપરછ દરમિયાન તેણે પત્નીને ફસાવવા માટે ખોટી ફરિયાદ કરી હોવાનું અને ત્રણેય મહિલાઓના મોતમાં પોતે તથા ઉર્મિલા સામેલ હોવાનો સ્વીકાર કર્યો હોવાનો પોલીસનો દાવો છે.

આંગણામાંથી મળેલા હાડપિંજરની ફોરેન્સિક તપાસ

માધવદાસની માહિતીના આધારે પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડફળિયામાં આવેલા ઘરના આંગણામાં ખોદકામ કર્યું હતું. સિમેન્ટના પડ નીચે માનવ હાડપિંજર મળ્યા બાદ તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું છે. હાડપિંજરની ઓળખ અને મોતનું ચોક્કસ કારણ તપાસના પરિણામ બાદ સ્પષ્ટ થશે. કેસમાં પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ ચાલુ છે.