સુરતથી કાનપુર તરફ જતી ટ્રેનમાં એક મહિલાને પ્રસવપીડા ઉપડતાં સહપ્રવાસી મહિલાઓએ ટ્રેનમાં જ તેની પ્રસૂતિ કરાવી હતી. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશને પહોંચે તે પહેલાં ઘટનાની જાણ કરવામાં આવી હતી. સ્ટેશન પર તબીબી સ્ટાફ અને અન્ય કર્મચારીઓ ટ્રેન પાસે પહોંચી ગયા હતા. જોકે, પ્રસૂતિ પછી પણ મહિલા અને તેનો પતિ ટ્રેનમાંથી નીચે ઉતરવા તૈયાર નહોતાં.

દંપતી છઠ્ઠ પૂજામાં જવા કાનપુર તરફ નીકળ્યું હતું. મહિલાના પતિએ કહ્યું હતું કે તેમની પાસે પૈસા નથી. રેલવે શન્ટિંગ માસ્ટર અફઝલ ખાને દંપતીને સમજાવ્યું કે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પૈસા લેવામાં નહીં આવે. તેમણે લગભગ 20 મિનિટ સુધી દંપતીનું કાઉન્સેલિંગ કર્યું, ત્યાર બાદ મહિલા અને તેનો પતિ ટ્રેનમાંથી નીચે ઉતરવા સંમત થયાં.

હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં

અફઝલ ખાનના જણાવ્યા અનુસાર, મહિલાનો રક્તસ્રાવ બંધ થતો ન હોવાથી તેને હોસ્પિટલમાં લઈ જવી જરૂરી હતી. તબીબી સ્ટાફની મદદથી માતા અને નવજાતને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. બંનેની તબિયત હાલમાં સારી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

મહિલા અને તેનો પતિ ઉત્તર પ્રદેશના છે અને સુરતમાં રહેતા હતા. તેઓ મંગળવારની રાત્રે કાનપુર જવા ટ્રેનમાં બેઠાં હતાં. સુરતથી ટ્રેન ઉપડ્યા બાદ મહિલાને પ્રસવપીડા શરૂ થઈ. આસપાસની મહિલાઓએ ભેગી થઈ પ્રસૂતિ કરાવી અને વડોદરા રેલવે સ્ટેશનને જાણ કરી.

દંપતીને ટ્રેનમાંથી ઉતારવા અને સારવાર માટે તૈયાર કરવા ચાલેલી સમજાવટને કારણે કાનપુર તરફ જતી ટ્રેન 20 મિનિટ મોડી પડી હતી. ટ્રેનમાં બેઠેલા મુસાફરો ઉપરાંત આગળનાં સ્ટેશનો પર રાહ જોતા મુસાફરોને પણ વિલંબની અસર થઈ હતી.