સુરતના બેગમપુરા ઝાંપા બજાર વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલી બાદ ત્રણ ભાઈઓ પર હુમલો થયો હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે. ઇન્ડિયા બેકરીની ગલીમાં બનેલી આ ઘટનામાં બે ભાઈને ચપ્પુથી ઈજા થઈ હતી, જ્યારે ત્રીજા ભાઈને મૂઢ માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.
ફરિયાદ મુજબ, ગોપીપુરામાં રહેતા અને મૂળ તાપી જિલ્લાના કાર્તિક જર્મનસિંગ વળવી પોતાના ભાઈઓ સાથે ઝાંપા બજારની ‘સબ્બીર કોર્નર’ નામની કાર્પેટની દુકાનમાં મજૂરીકામ કરે છે. સાંજના સમયે કાર્પેટની ડિલિવરી માટે ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો હતો. તે દરમિયાન પાણીના કેન લેવા આવેલી વ્યક્તિ સાથે વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો થાળે પડી ગયો હતો.
દુકાન પાસે ફરી બોલાચાલી બાદ મારામારી
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ડિલિવરીનું કામ પૂર્ણ થયા બાદ રાત્રિના પોણા આઠ વાગ્યે ત્રણેય ભાઈ દુકાન પાસે હાજર હતા. ત્યારે બે થી ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા અને વચલા ભાઈ કેશરસિંગ સાથે ગાળાગાળી કરી મારામારી શરૂ કરી હતી. કાર્તિક અને મોટા ભાઈ જલપતસિંગ વચ્ચે પડતાં હુમલાખોરોમાંથી એકે ધારદાર ચપ્પુ કાઢ્યું હતું.
હુમલામાં કાર્તિકને છાતીના ભાગે અને પાંસળી નીચે ઈજા થઈ હતી. જલપતસિંગને પીઠના ભાગે ચપ્પુનો ઘા લાગ્યો હતો, જ્યારે કેશરસિંગને દાઢીના ભાગે મૂઢ ઈજા થઈ હતી. આસપાસના દુકાનદારો દોડી આવતાં હુમલાખોરો વાહન પર બેસીને ફરાર થઈ ગયા હતા.
બે હોસ્પિટલમાં સારવાર, અજાણ્યા આરોપીઓ સામે ગુનો
ઈજાગ્રસ્ત કાર્તિક અને કેશરસિંગને બુરહાની હોસ્પિટલમાં, જ્યારે જલપતસિંગને મસ્કતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મહિધરપુરા પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા અને અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ કબજે કરીને આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. હુમલાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ અંગેની વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
