સુરત શહેરમાં નિકાસકારોને મળતી કેન્દ્ર સરકારની ROSCTL યોજના હેઠળની સબસીડી હડપ કરવાના કેસમાં સુરત સાયબર ક્રાઈમે મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 34 વર્ષીય આમીર આસીફ પટેલને ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજીનો વતની છે અને હાલ અમદાવાદના જુહાપુરામાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફરિયાદીની ફર્મના નામે બનાવટી દસ્તાવેજો અને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ તૈયાર કર્યા હતા. આ નકલી સિગ્નેચરનો ઉપયોગ કરીને ICEGATE પોર્ટલ પર ફર્મનું નવું રજીસ્ટ્રેશન કરાયું હતું. રજીસ્ટ્રેશન દરમિયાન અસલી વેપારી સુધી OTP અને એલર્ટ ન પહોંચે તે માટે અલગ ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાતમાંથી ચાર e-scrips અન્ય ખાતામાં ટ્રાન્સફર
ફરિયાદીના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કોડનો ઉપયોગ કરીને ROSCTL યોજના હેઠળ મળેલી સાત e-scripsમાંથી ચાર e-scrips અન્ય ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ ધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ચાર e-scripsની કિંમત કુલ 54,25,767 રૂપિયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ રીતે સરકારી લાભની રકમનો ગેરકાયદેસર ઉપયોગ કરાયો હોવાનો આરોપ છે.
તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે આમીર પટેલે અન્ય આરોપીઓ સાથે મળીને એક બનાવટી કંપની ઊભી કરી હતી. અગાઉ ઝડપાયેલા મોહમદ સાહીબ પાસેથી 50,000 રૂપિયાના કમિશન બદલ આઈડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ફરિયાદીની 39,78,134 રૂપિયાની e-scrips આ બનાવટી કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આરોપીએ સમગ્ર વ્યવહારમાં 5 ટકા કમિશન મેળવ્યું હોવાનો પોલીસનો દાવો છે.
અગાઉ બે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે
ફરિયાદીને છેતરપિંડીની જાણ થયા બાદ સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં IT Act અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે પોલીસે આમીર પટેલને મુંબઈથી ઝડપી પાડ્યો છે.
આ જ કેસમાં સુરત પોલીસે અગાઉ તક્ષલ રાજેશકુમાર લુંગીવાલા અને મોહમદ સાહીબ મોહમદ સાદીક તંબુવાલાની ધરપકડ કરી હતી. તક્ષલ લુંગીવાલા સલાબતપુરાનો અને મોહમદ સાહીબ અડાજણ પાટીયાનો રહેવાસી હોવાનું જણાવાયું છે. પોલીસે હવે આમીર પટેલના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. આ ગેંગ સાથે અન્ય વેપારીઓ જોડાયેલા છે કે નહીં અને તેમની પાસેથી પણ આવી રીતે e-scrips ટ્રાન્સફર કરાઈ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
