સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા આશરે ₹35 લાખની છેતરપિંડીના કેસમાં એક વર્ષથી ફરાર મહિલા આરોપી શિવાની પંડ્યાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને તેને પકડી લેવામાં આવી હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે.
આ કેસમાં શિવાની પંડ્યા સહિતના આરોપીઓએ ‘ફાઇનબુકર સ્પોર્ટ્સ એક્સચેન્જ’ નામે કંપની ઊભી કરી રોકાણકારોનો સંપર્ક કર્યો હોવાનો આક્ષેપ છે. માત્ર 8 મહિનામાં રોકાણની રકમ બમણી કરી આપવાની લાલચ આપીને લોકો પાસેથી નાણાં લેવાયા હતા.
બેંક ટ્રાન્સફર અને USDT મારફતે રકમ લેવાઈ હોવાનો આરોપ
ફરિયાદ મુજબ, રોકાણકારો પાસેથી બેંક મારફતે કુલ ₹27,00,007 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 9,233 USDT ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવાયું હતું, જેનું ભારતીય ચલણમાં મૂલ્ય અંદાજે ₹8,30,970 દર્શાવવામાં આવ્યું છે. આ રીતે કુલ છેતરપિંડીનો આંકડો ₹35 લાખથી વધુ હોવાનો પોલીસનો દાવો છે.
8 મહિનાની મુદત પૂર્ણ થયા બાદ રોકાણકારોએ પોતાની રકમ પરત માગી ત્યારે આરોપીઓએ ટાળટૂળ શરૂ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ આરોપી ટોળકી ફરાર થઈ ગઈ હતી.
પતિ સહિત અન્ય સાગરીતો સામે કેસ
પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2024 અને 2025 દરમિયાન શિવાની પંડ્યાએ તેના પતિ ભાર્ગવભાઈ પંડ્યા તેમજ ઇન્દ્રજીત અરોરા, પ્રકાશ ગુપ્તા અને શ્વેતા ગુપ્તા સાથે મળીને આ કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. ગ્રાહકોને વિશ્વાસમાં લઈ રોકાણ કરાવવામાં શિવાનીની મુખ્ય ભૂમિકા હોવાનો પણ તપાસમાં ઉલ્લેખ થયો છે.
શિવાની પંડ્યા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોયલ ગામની વતની હોવાનું જણાવાયું છે. તે સુરતના નરથાણ વિસ્તારમાં રહેતી હતી. સરથાણા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ તે અલગ અલગ સ્થળે છુપાઈને રહેતી હોવાનો પોલીસનો દાવો છે.
કોર્ટના પકડ વોરંટ બાદ કાર્યવાહી
આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 316(5) અને 62(2) હેઠળ ગુનો નોંધાયો છે. આરોપી સતત ફરાર રહેતાં કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 72 મુજબ પકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચે શિવાની પંડ્યાને અટકાયત કર્યા બાદ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે તેને સરથાણા પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે. કેસમાં સંકળાયેલા અન્ય આરોપીઓ અને રોકાણકારોની રકમ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
