દિવાળી વેકેશનમાં વતન જતા મુસાફરો માટે સુરત એસટી વિભાગે વિશેષ બસ વ્યવસ્થા શરૂ કરી છે. વરાછા રોડ પર આવેલી ધારુકા કોલેજના ગ્રાઉન્ડ પરથી અભિયાનના પહેલા દિવસે આશરે 100 બસો રવાના કરવામાં આવી. સૌરાષ્ટ્ર તરફની તમામ એક્સ્ટ્રા બસો અહીંથી ઉપડશે. બસ સ્ટેન્ડ પર ભીડ ટાળવા અને મુસાફરોને નજીકથી બસ મળી રહે તે માટે અલગ પિકઅપ પોઇન્ટ અને બુકિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સુરત વિભાગે દિવાળી વેકેશન દરમિયાન કુલ 320 બસોનું એડવાન્સ બુકિંગ નોંધ્યું છે. તેમાં સોસાયટીઓ, ટેક્સટાઇલ માર્કેટનાં સંગઠનો, હીરાનાં કારખાનાં અને મંડળો દ્વારા કરાવાયેલું 220 બસોનું ગ્રૂપ બુકિંગ સામેલ છે. બાકીની 100 બસો 40થી વધુ મુસાફરોની ક્ષમતા ધરાવતા એડવાન્સ બુકિંગ માટે ફાળવવામાં આવી છે. આ વ્યવસ્થામાં મુસાફરોને તેમના રહેણાંક વિસ્તાર પાસેથી સીધા વતન જવાની સુવિધા મળે છે.
રૂટ પ્રમાણે પિકઅપ પોઇન્ટ
4થી 7 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તરફની તમામ વધારાની બસો ધારુકા કોલેજના ગ્રાઉન્ડ પરથી ઉપડશે. દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ તરફ જતા મુસાફરો માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ સામેના સિટી સ્ટેન્ડ તેમજ રામનગરથી બસોનું સંચાલન થશે. આ રૂટ પર મુસાફરો આવતા જાય તેમ બસો ઉપાડવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
કોલેજના સ્થળે એડવાન્સ ગ્રૂપ બુકિંગ ઉપરાંત કરંટ ટિકિટ માટે પણ બારીઓ કાર્યરત છે. અગાઉથી ટિકિટ ન કરાવી હોય તેવા મુસાફરો ત્યાંથી ટિકિટ મેળવી શકે છે. ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ પણ ચાલુ રાખવામાં આવ્યું છે.
પરત મુસાફરી માટે પણ વિશેષ બસો
દિવાળી બાદ સુરત પરત ફરનારા અને અમદાવાદ કે વડોદરા જવા માગતા મુસાફરો માટે 8થી 15 નવેમ્બર દરમિયાન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી વિશેષ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. આ સમયગાળામાં લાભ પાંચમનો દિવસ પણ આવે છે.
મુસાફરોની અવરજવર સંભાળવા ડેપો મેનેજમેન્ટે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ મોનિટરિંગ, વધારાના ગાર્ડ અને સુપરવાઇઝરી સ્ટાફ તથા હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરી છે. મુસાફરોએ પોતાના રૂટ પ્રમાણે ઉપડવાનું સ્થળ ચકાસીને ત્યાં પહોંચવું જરૂરી રહેશે.
