સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી ₹6.93 લાખના હીરાની ચોરીના કેસનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં લેસર મશીન ઓપરેટર ભરત પટેલની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મૂળ બનાસકાંઠાનો અને 32 વર્ષનો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખાતામાંથી આશરે 77 કેરેટના તૈયાર હીરા ચોરવામાં આવ્યા હતા. ચોરી બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી સુધી પહોંચવા માટે પોલીસે આશરે 850 CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સાથે જ Gmail IPDR અને સર્વેલન્સની મદદથી ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં મળેલી કડીઓથી મુંબઈ સુધી પહોંચ્યા
CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને આરોપીની હિલચાલ અંગે મહત્વની કડીઓ મળી હતી. આ આધારે તપાસ આગળ ધપાવી પોલીસે મુંબઈમાંથી ભરત પટેલને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ તેની પાસેથી ચોરી થયેલા 77 કેરેટના હીરા સહિત કુલ ₹7.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે ચોરીમાં વપરાયેલી હોવાનું જણાવાતી ત્રણ બાઈક અને એક કોમ્પ્યુટર મોનિટર પણ કબજે કર્યા છે. તપાસ દરમિયાન વાપી RPF ઓફિસમાંથી કોમ્પ્યુટર ચોરી થયાની માહિતી પણ મળી છે.
પાંચ ગુનાઓની તપાસ આગળ વધશે
પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન સુરત અને વાપી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી તથા વાહનચોરી સહિત કુલ પાંચ વણઉકેલાયેલા ગુનાઓની કડીઓ મળી આવી છે. હાલ અશ્વિનીકુમાર પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. રિમાન્ડ દરમિયાન અન્ય ચોરીના ગુનાઓ અને જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે વધુ વિગતો મેળવવામાં આવશે.
