સુરતના અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાંથી ₹6,93,000ની કિંમતના આશરે 77 કેરેટ તૈયાર હીરાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ કેસમાં પોલીસે મૂળ બનાસકાંઠાના 32 વર્ષીય ભરત માનાભાઈ પટેલને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરાયેલા તમામ હીરા સહિત કુલ ₹7.67 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ચોરીની ઘટના ઉમિયાધામ મંદિર નજીક સર્વોદય સોસાયટીમાં આવેલા હીરાના કારખાનામાં બની હતી. રાત્રિના સમયે અજાણ્યો તસ્કર કારખાનામાં ઘૂસ્યો હતો અને અંદર રાખેલા તૈયાર હીરા લઈ ફરાર થઈ ગયો હતો. કારખાનેદારે તપાસ કરતાં આશરે 77 કેરેટ હીરા ગાયબ હોવાનું જણાયું હતું. ત્યારબાદ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

850 CCTV ફૂટેજની તપાસથી મુંબઈ સુધી પહોંચ્યા

કેસની તપાસ દરમિયાન પોલીસની ટીમોએ ઘટનાસ્થળ અને આરોપીના સંભવિત ભાગવાના માર્ગ પર લગાવવામાં આવેલા આશરે 850 CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. પોલીસે ટેકનિકલ વિશ્લેષણમાં Gmail અને IPDR સર્વેલન્સનો પણ ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન આરોપી મુંબઈમાં છુપાયો હોવાની માહિતી મળતાં પોલીસ ટીમ ત્યાં પહોંચી અને તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપીની ઓળખ ભરત માનાભાઈ પટેલ તરીકે થઈ હતી. તે મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના આલવાડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં પંડોળ ખાતે આવેલા રાજુભાઈ લાખણીયાના બિલ્ડિંગમાં રહીને તે લેસર મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, લેસર ઓપરેટર તરીકે કામ કરવાને કારણે આરોપીને હીરા અને કારખાનાની સિસ્ટમ અંગે જાણકારી હતી. આ જાણકારીનો લાભ લઈને તેણે કારખાનામાંથી હીરાની ચોરી કરી હોવાની તપાસમાં વિગતો સામે આવી છે.

હીરા ઉપરાંત ત્રણ બાઇક અને મોનિટર પણ મળ્યાં

પોલીસે આરોપી પાસેથી અશ્વિનીકુમાર વિસ્તારમાંથી ચોરાયેલા ₹6,93,000ની કિંમતના તમામ 77 કેરેટ હીરા કબજે કર્યા છે. આ ઉપરાંત વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી ત્રણ મોટરસાયકલ પણ મળી આવી છે. તેમાં હીરો હોન્ડા હન્ક નંબર GJ-10-AL-6645, સ્પ્લેન્ડર પ્લસ નંબર GJ-05-SN-0069 અને પેશન પ્લસ નંબર GJ-05-ED-3918નો સમાવેશ થાય છે. ત્રણેય વાહનોની કુલ કિંમત ₹70,000 હોવાનું જણાવાયું છે.

વાપી RPF પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલું ₹4,000ની કિંમતનું HP કંપનીનું ડેસ્કટોપ મોનિટર પણ પોલીસે કબજે કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ધરપકડથી અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનો એક, વરાછા પોલીસ સ્ટેશનના વાહનચોરીના ત્રણ અને વાપી RPF પોલીસ સ્ટેશનનો એક મળીને કુલ પાંચ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

આરોપી અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તેની તપાસ માટે પોલીસે રિમાન્ડ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.