સુરતના ખાંડ બજાર વિસ્તારમાં લાલગેટ પોલીસે એક રહેણાક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 645 બોટલ જપ્ત કરી છે. આ કેસમાં સુરત ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી વિજય રતિલાલ મોદી (62) અને કરણ રાકેશભાઈ પાનવાલા (29)ની ધરપકડ કરાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, વિજયનો પુત્ર રાજ વિજયભાઈ મોદી ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
લક્ષ્મીભવનના મકાનમાં દરોડો
પોલીસને બાતમી મળી હતી કે ખાંડ બજારમાં SMC પાર્કિંગ પાછળ આવેલા લક્ષ્મીભવનના પહેલા માળે દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવે છે. બાતમીના આધારે લાલગેટ પોલીસની ટીમે મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, સ્થળે દારૂના પેકિંગનું કામ ચાલી રહ્યું હતું.
મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કુલ 645 બોટલ મળી આવી હતી. તેની કિંમત ₹2,65,519 દર્શાવવામાં આવી છે. પોલીસે ₹35,000ની કિંમતના VIVO Y400 અને VIVO V-27 PRO મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. દારૂ અને ફોન સહિત કુલ જપ્ત મુદ્દામાલની કિંમત ₹3,00,519 છે.
બેની ધરપકડ, પુત્રની શોધ
પોલીસે વિજય મોદી ઉપરાંત બેગમપુરાના તુલસી ફળિયામાં રહેતા કરણ પાનવાલાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, કરણ હીરાનો કારીગર છે અને દારૂના પેકિંગ તથા વેચાણમાં મદદ કરતો હતો. વિજયના પુત્ર રાજ સામે પણ આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્રણેય સામે ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ PSI એચ.જે. રાઠોડને સોંપાઈ છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, રાજ મોદી સામે સુરતના લાલગેટ, રાંદેર, ખટોદરા, ઓલપાડ, પલસાણા અને DCB સહિત નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અગાઉના કુલ 11 જેટલા ગુના નોંધાયા છે. 2021માં લાલગેટ અને 2023માં રાંદેર પોલીસે તેની સામે PASA હેઠળ કાર્યવાહી કરી હતી. કરણ પાનવાલા સામે પણ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ દારૂનો ગુનો નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ વિગતો પોલીસ તપાસના ભાગરૂપે સામે આવી છે; કેસમાં આગળની કાર્યવાહી ચાલુ છે.
