સુરત મહાનગરમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ જાળવણી માટે હાથ ધરાયેલી ઈકો-ફ્રેન્ડલી વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુરત મહાનગરપાલિકાએ તાપી નદી તેમજ કુદરતી જળાશયોમાં શ્રીજીની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મૂકીને શહેરના તમામ 8 ઝોનમાં કુલ 21 કૃત્રિમ તળાવો ઊભાં કર્યા હતા.
પાલિકાના અહેવાલ મુજબ, 25 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં કૃત્રિમ તળાવો તેમજ મગદલ્લા, ડુમ્મસ અને હજીરા ઓવારા ખાતે કુલ 62,519 મૂર્તિઓનું વિસર્જન નોંધાયું હતું. આ આંકડો 14 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર દરમિયાન થયેલા ગૌરી ગણેશ વિસર્જનની 9,419 મૂર્તિઓ સાથે જોડાય છે. પરિણામે 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યા સુધીમાં શહેરમાં કુલ 71,938 શ્રી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.
કૃત્રિમ તળાવોમાંથી એકત્રિત કરાયેલી મૂર્તિઓને હજીરા સ્થિત AM/NS જેટી ખાતે અંતિમ વિસર્જન માટે મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ વ્યવસ્થા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.
આભૂષણો અને વાઘાનો પુનઃઉપયોગ
સુરત મહાનગરપાલિકાના UCD વિભાગ હેઠળ DAY-NULM અને D-JAY(S) યોજના અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓએ મૂર્તિઓ પર ચઢાવાયેલા આભૂષણો અને વાઘાઓનો સન્માનપૂર્વક સ્વીકાર કર્યો હતો. આ સામગ્રીના પુનઃઉપયોગ દ્વારા રોજગારી સર્જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વિસર્જન કામગીરી દરમિયાન પાલિકાના તમામ ઝોન, પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેલ, ફાયર બ્રિગેડ અને સિક્યુરિટી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત રહ્યા હતા. પોલીસે વિસર્જન રૂટ, કુદરતી જળાશયો અને કૃત્રિમ તળાવો પર કાયદો-વ્યવસ્થા જાળવી હતી. વિસર્જન પૂર્ણ થયા બાદ રાત્રે સફાઈકર્મીઓએ સફાઈ ઝુંબેશ હાથ ધરી રસ્તાઓને ફરી સ્વચ્છ કર્યા હતા.
