સુપ્રીમ કોર્ટે ગુજરાત સાથે જોડાયેલા એક રેલવે અકસ્માત કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે મૃતક મુસાફર પાસેથી ટ્રેનની ટિકિટ ન મળે તો માત્ર આ કારણસર વળતરનો દાવો ફગાવી શકાય નહીં. કોર્ટે મૃતકના માતા-પિતાને રૂ.8 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે.

આ કેસ 2017માં ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામેલા મુસાફર સાથે સંબંધિત હતો. રેલવે તરફથી દલીલ કરવામાં આવી હતી કે મૃતક પાસે મુસાફરીની ટિકિટ હોવાનો પૂરતો પુરાવો નથી. જોકે સુપ્રીમ કોર્ટે સંજોગો અને ઉપલબ્ધ પુરાવાના આધારે મૃતકને bona fide મુસાફર ગણાવ્યો.

કોર્ટે જણાવ્યું કે મુસાફરીની ટિકિટ ન મળવી પોતે જ એવો નિર્ણાયક પુરાવો નથી કે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરતી નહોતી. રેલવે કાયદા હેઠળ વળતર સંબંધિત દાવાઓમાં સમગ્ર પરિસ્થિતિ અને સંભાવનાઓનું મૂલ્યાંકન જરૂરી છે.

ચુકાદા મુજબ માતા-પિતાને રૂ.8 લાખ ઉપરાંત ઘટનાની તારીખથી ચુકવણી સુધી વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે રકમ ચૂકવવાની રહેશે.