જામનગર જિલ્લાના સિક્કામાં ગરબી જોઈને પત્ની અને પુત્રી સાથે સ્કૂટર પર ઘરે પરત ફરી રહેલા યુવાનનું અકસ્માતમાં મોત થયું છે. સામેથી આવતી ત્રણ સવારીવાળી મોટરસાઇકલે તેમના સ્કૂટરને ટક્કર મારતાં આ અકસ્માત થયો હતો. યુવાનની પત્નીને ઇજા પહોંચી હતી, જ્યારે પુત્રીને ઇજા થઈ ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદી સેજલબેન ગોસાઈના જણાવ્યા મુજબ, 18 ઓક્ટોબરની રાત્રે તેઓ પતિ ભાવપરી અને પુત્રી સાલી સાથે જીજે-10-ઈએલ-1385 નંબરના જ્યુપિટર સ્કૂટર પર સિક્કામાં જી.ઈ.બી.ની ગરબી જોવા ગયાં હતાં. ગરબી જોઈને આશરે રાત્રે એક વાગ્યે ઘરે પાછાં ફરતાં તેઓ તળાવ સામેના માર્ગે પહોંચ્યાં હતાં. એ સમયે જીજે-10-ઈજી-2744 નંબરની મોટરસાઇકલ પર ત્રણ સવારીમાં આવતા ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી સ્કૂટરને ટક્કર મારી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
ટક્કરથી સ્કૂટર પર સવાર ત્રણેય રસ્તા પર પટકાયાં હતાં. સેજલબેનને જમણા પગ, હાથ અને માથામાં ઇજા થઈ હતી. ભાવપરીને માથામાં ગંભીર ઇજા થતાં તેમને ખાનગી વાહનમાં જામનગરની જી.જી. હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સેજલબેનને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
સિક્કા પોલીસે ફરિયાદના આધારે મોટરસાઇકલચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 106(1), 125(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
