પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસે જેસડા-શંખેશ્વર વચ્ચે વાહન ચેકિંગ દરમિયાન દારૂ અને બિયર ભરેલી લક્ઝરી બસ ઝડપી પાડી છે. આ કાર્યવાહી રવિવારે પરોઢે કરવામાં આવી હતી. પોલીસે બસચાલકની ધરપકડ કરી છે, જ્યારે બસમાં સવાર એક અન્ય શખ્સ ફરાર થયો હતો.

પોલીસે સમી તરફથી આવતી AR.01.V 0606 નંબરની બસને અટકાવી હતી. ચાલકના જવાબો સંતોષકારક ન લાગતાં બસની તપાસ કરાઈ. શરૂઆતમાં બસમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બસને પોલીસ મથકે લઈ જઈ વધુ તપાસ કરતાં તેમાં અલગ-અલગ ગુપ્ત ખાનાં બનાવ્યાં હોવાનું જણાયું. બસની બાજુમાં પણ વેલ્ડિંગ કરીને ખાનાં છુપાવ્યાં હતાં. પોલીસે વેલ્ડરને બોલાવી વેલ્ડિંગ તોડાવ્યું હતું; ત્યારબાદ ત્યાંથી પણ દારૂ અને બિયરના ટીન મળી આવ્યાં હતાં.

6,061 બોટલ અને ટીન કબજે

પોલીસે કુલ 85 પેટી વિદેશી દારૂ અને 212 પેટી બિયર જપ્ત કરી હતી. કુલ મળીને દારૂ-બિયરની 6,061 બોટલ અને ટીન કબજે કરાયાં હતાં. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત રૂ. 12,12,300 હોવાનું જણાવાયું છે. બસ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 22,17,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જથ્થો રાજસ્થાનના જોધપુરથી માળિયા થઈ કચ્છ તરફ લઈ જવાતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. બસચાલક બીજારામ ઓમારામ ચૌધરી, જે જોધપુરના ઢાઢણીનો રહેવાસી હોવાનું જણાવાયું છે, તેની ધરપકડ કરાઈ છે. બસમાંથી ફરાર થયેલા ધર્મેપાલસિંહ કેશરીસિંહ રાઠોડ બાડમેરના ભુરડીયાનો રહેવાસી હોવાનું પોલીસની ફરિયાદમાં નોંધાયું છે.

દારૂ મોકલનાર તરીકે કીતુ ધીરપુરા, જોધપુરના કિશનસિંહ દીપસિંહ ગોગાદેવનું નામ પણ ફરિયાદમાં નોંધાયું છે. કચ્છના ગાંધીધામમાં જથ્થો મંગાવનાર શખ્સની ઓળખ અંગે તપાસ ચાલુ છે. પોલીસે કુલ ચાર લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.