મહેસાણા જિલ્લાના કડી ખાતે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જાહેર જીવન અને સહકારી ક્ષેત્રમાં યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સત્તા પર ન હોવા છતાં નીતિન પટેલે કડી અને મહેસાણા સાથેનો લોકસંપર્ક જાળવી રાખ્યો છે.
શંકર ચૌધરીએ જણાવ્યું કે સામાન્ય રીતે સત્તા બહાર ગયા બાદ ઘણા રાજકારણીઓ જાહેર જીવન અથવા સંગઠનાત્મક કામગીરીથી દૂર થઈ જાય છે. જોકે, નીતિન પટેલે ‘મારું કડી, મારો મહેસાણા જિલ્લો’ની ભાવના સાથે લોકો વચ્ચેનું જોડાણ જાળવી રાખ્યું છે. તેમણે ઉમેર્યું કે નીતિન પટેલ દર વિધાનસભા સત્રમાં કોઈને કોઈ રીતે લોકોની ચર્ચામાં રહે છે.
કડી APMCમાં સક્રિય ભૂમિકાનો ઉલ્લેખ
કડી APMCમાં નીતિન પટેલની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં શંકર ચૌધરીએ કહ્યું કે તેઓ હોદ્દા માટે નહીં, પરંતુ ખેડૂતો અને વેપારીઓના હિત માટે ડિરેક્ટર તરીકે સેવા આપે છે. તેમના જણાવ્યા મુજબ, નીતિન પટેલની હાજરી સંસ્થાના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી જાળવવામાં મદદરૂપ બને છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે ‘નીતિનભાઈ પોતે એક બ્રાન્ડ છે’.
શંકર ચૌધરીએ એવો પણ દાવો કર્યો કે સત્તા વિના પણ નીતિન પટેલને મળતો લોકોનો પ્રેમ તેમના લાંબા સમયના જાહેર જીવન અને જનસંપર્કનું પરિણામ છે.
મહેસાણા બેંકના પુનરુત્થાનનો ઉલ્લેખ
સહકારી ક્ષેત્રમાં પોતાના 12 વર્ષના ચેરમેન તરીકેના અનુભવને યાદ કરતાં શંકર ચૌધરીએ જણાવ્યું કે એક સમયગાળામાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક આર્થિક સંકટ, ઊંચા NPA અને ડિપોઝિટ ઉપાડની સમસ્યાનો સામનો કરી રહી હતી. તેમના કહેવા મુજબ, નીતિન પટેલના માર્ગદર્શન અને સહકારથી બેંકને ફરી મજબૂત બનાવવામાં આવી.
તેમણે જણાવ્યું કે મહેસાણા બેંક પાસે હાલમાં ₹3,800 કરોડની ડિપોઝિટ અને ₹2,800 કરોડનું 0 ટકા વ્યાજ જેવું ધિરાણ છે. બેંકના પુનરુત્થાનમાં નીતિન પટેલની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.
વહીવટી પકડની પણ પ્રશંસા
શંકર ચૌધરીએ નીતિન પટેલની વહીવટી કાર્યશૈલીને પણ યાદ કરી. તેમણે કહ્યું કે વિધાનસભા હોય કે મંત્રીમંડળ, નીતિન પટેલ સરકારી યોજનાઓ અને નાણાકીય પ્રસ્તાવોની ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા. અધિકારીઓના પ્રેઝન્ટેશન દરમિયાન તેઓ ધારદાર પ્રશ્નો પૂછીને યોજનાઓમાં અસ્પષ્ટતા ન રહે તેની કાળજી લેતા હતા.
તેમણે કહ્યું કે પ્રજાહિત અને કાયદાકીય સ્પષ્ટતા નીતિન પટેલની કાર્યશૈલીની મુખ્ય વિશેષતા હતી. કાર્યક્રમમાં કડીની સહકારી પરંપરા, ગ્રામ્ય અર્થતંત્ર અને સ્થાનિક ઉત્પાદનના મહત્વ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
