સૌરાષ્ટ્રના અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં બે અલગ ઘટનાઓમાં સિંહનાં મોત થયાં છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા ગામની સીમમાં ખેતરના કૂવામાં પડી જતાં 2થી 3 વર્ષના સિંહનું મોત થયું હતું. વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટના ગુરુવારે રાત્રે આશરે 1:30 વાગ્યે બની હતી.

ખેતરમાં અશોક બાંભરોલિયાની માલિકીનો કૂવો હતો. તેની આસપાસ પાળી હોવા છતાં સિંહ તેમાં પડી ગયો હતો. વન વિભાગની ટીમે કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો. પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમમાં સિંહનું મોત ડૂબી જવાથી થયું હોવાનું જણાયું હતું.

જૂનાગઢમાં વીજ કરંટથી સિંહનું મોત

બીજી ઘટના જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધનફૂલિયા ગામે બુધવારે બની હતી. ખેતરની સીમમાં પસાર થતી વખતે સિંહ વીજ કરંટની ઝપેટમાં આવ્યો હતો. વન અધિકારીના જણાવ્યા મુજબ, ખેતરના ઇલેક્ટ્રિક મોટર માટેના કંટ્રોલ પેનલ પાસે ગેરકાયદે રીતે બે તાર જોડીને વીજ કરંટ ચાલુ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં 64 વર્ષના ખેડૂત હરિલાલ ચાવડાની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કેસ નોંધાયા બાદ તેમને તબીબી કારણોસર જામીન મળ્યા હતા. બંને ઘટનાઓમાં વન વિભાગે તપાસ હાથ ધરી હતી.