વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDCમાં આવેલી સુજસ લેધર કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ ફેલાતાં તેને કાબૂમાં લેવા ઉમરગામ, સરીગામ અને વાપી GIDC સહિત વાપી મહાનગરપાલિકાની ફાયર ટીમોને બોલાવવામાં આવી હતી. આખી રાત ચાલેલી કામગીરી બાદ વહેલી સવારે આગ કાબૂમાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આગની તીવ્રતાને ધ્યાનમાં રાખીને મેજર ફાયર કોલ જાહેર કરાયો હતો. પાંચ જેટલી સંયુક્ત ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. દસથી વધુ ફાયર ટેન્ડર અને ફોમ ટેન્ડરની મદદથી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી. આગને કાબૂમાં લેવા પાણી અને કેમિકલ ફોમનો ઉપયોગ થયો હતો. કલાકોની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવી શકાયું.
આગનું કારણ અને નુકસાનની તપાસ
આગમાં કંપનીનો પ્લાન્ટ, ગોડાઉન, મશીનરી, કાચો માલ અને તૈયાર લેધરનો જથ્થો બળીને ખાખ થયો હોવાની માહિતી છે. જોકે નુકસાનની ચોક્કસ રકમ જાહેર થઈ નથી. આગ કયા કારણસર લાગી તે પણ હજી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી.
પ્રાથમિક આશંકા શોર્ટ સર્કિટની વ્યક્ત કરાઈ છે, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી. આગની જાણ થતાં GPCBની ટીમ, જિલ્લા ડિઝાસ્ટર-ઇમરજન્સી મેનેજમેન્ટ ગ્રૂપ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. આગ કાબૂમાં આવ્યા બાદ કુલિંગની કામગીરી હાથ ધરાઈ હતી. આગનું ચોક્કસ કારણ અને થયેલા નુકસાનની વિગતો જાણવા ફાયર વિભાગ તથા પોલીસ તપાસ કરી રહ્યાં છે.
રાત્રિના સમયે આગ લાગતાં કંપનીમાં હાજર કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. તેથી કોઈ જાનહાનિ નોંધાઈ ન હોવાનું જણાવાયું છે. આગ લાગવાનું સત્તાવાર કારણ અને નુકસાનનો અંદાજ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
