ગાંધીનગર જિલ્લાના સાંતેજ GIDC નજીક રકનપુર ગામમાં નકલી દેશી ઘી બનાવાતું હોવાની આશંકા વચ્ચે પોલીસે ગજાનન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. મંગળવારે રાત્રે થયેલી આ કાર્યવાહીમાં આશરે 6,500 કિલોગ્રામ વેજિટેબલ ફેટ, કેમિકલ અને જાણીતી બ્રાન્ડ્સનાં નકલી લેબલ જપ્ત કરાયાં હતાં. તપાસમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમ પણ જોડાઈ હતી.

ફેક્ટરીની નજીક આવેલા બીજા ગોડાઉનની તપાસ દરમિયાન વિવિધ જાણીતી દેશી ઘી બ્રાન્ડ્સનાં લાખો લેબલ મળ્યાં હતાં. આ લેબલ અલગ-અલગ વજનનાં પેકેટ માટે તૈયાર કરાયાં હોવાનું તપાસ એજન્સીએ જણાવ્યું હતું. ફેક્ટરીમાં વેજિટેબલ ફેટને લગતાં લેબલ બહુ ઓછાં હતાં, જ્યારે ગોડાઉનમાં જાણીતી બ્રાન્ડ્સનાં લેબલનો મોટો જથ્થો મળ્યો હતો.

લાઇસન્સ અને લેબલ અંગે તપાસ

પ્રાથમિક તપાસમાં ફેક્ટરી સંચાલકો પાસે વેજિટેબલ ફેટ બનાવવા માટેનું FSSAI લાઇસન્સ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, સ્થળેથી એવી જાણીતી બ્રાન્ડ્સનાં લેબલ મળ્યાં, જેનાં ઉત્પાદનો સાથે સંચાલકોએ કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો. આ લેબલનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને તૈયાર માલ કયા બજારમાં પહોંચાડાતો હતો, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

સ્થળેથી RM વેલ્યુ એન્હાન્સર નામનો પદાર્થ પણ મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આવા પદાર્થોનો ઉપયોગ ફેટના ગુણધર્મો બદલી તેને ઘી જેવું દેખાડવા કે બનાવવા માટે થઈ શકે છે. જોકે, સ્થળેથી મળેલી સામગ્રી અને તૈયાર માલની હકીકત લેબોરેટરી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) તથા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમોએ વેજિટેબલ ફેટ, કેમિકલ અને તૈયાર ઉત્પાદનના નમૂના લીધા છે. આ નમૂનાઓ પરીક્ષણ માટે મોકલાયા છે. પોલીસએ ફેક્ટરીનો સ્ટોક અને લેબલ કબજે કર્યા છે. તપાસમાં કેટલો માલ તૈયાર થયો હતો, તેની સપ્લાય ક્યાં થઈ અને આ કામમાં અન્ય કોણ સંકળાયેલું હતું તે શોધવાનું બાકી છે. લેબ રિપોર્ટ અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી થશે.