રાજકોટ, અમરેલી અને સુરતના રોકાણકારો પાસેથી આશરે રૂ. 100 કરોડનું રોકાણ કરાવી નાણાં પરત ન આપ્યાના કેસમાં આઠ મહિનાથી ફરાર ઋત્વિક ઝવેરભાઈ રીબડીયાને રાજકોટ રેન્જ પોલીસે સુરતથી ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ, તે આ કેસના મુખ્ય સૂત્રધારો પૈકીનો એક છે. રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપવામાં આવી હોવાનો આરોપ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રીબડીયા અને તેના સહ-આરોપીઓએ ‘ઓશીયન એમટેક’, ‘એમ્પલ બીઝનેશ’, ‘ઓશીયન ટેકનોલોજી’ અને ‘એમબીટેક મલટીટ્રેડ’ નામે ભાગીદારી પેઢીઓ શરૂ કરી હતી. આ પેઢીઓ મારફતે રોકાણ કરાવ્યા બાદ નાણાં પરત ન આપ્યાનો આરોપ છે. આ કેસમાં રીબડીયા સામેના આરોપો હજી તપાસ અને કાનૂની પ્રક્રિયાને આધીન છે.
રાજકોટ અને સુરતમાં અલગ ગુના
રાજકોટ ગ્રામ્યના ગોંડલ સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 0234/2025 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 409 અને 120(બી) મુજબ ગુનો નોંધાયો છે. સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 0734/2025 હેઠળ જી.પી.આઈ.ડી. એક્ટની કલમ 3 અને 4 મુજબ પણ કેસ નોંધાયો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને પી.આઈ. અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જની ટીમ તપાસ કરી રહી હતી. ટેકનિકલ તપાસ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે આરોપીનું ઠેકાણું શોધવામાં આવ્યું. પોલીસ ટીમે તેને સુરતમાં તેના ઘરેથી પકડ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક પૂછપરછમાં રીબડીયાએ ગુનાની કબૂલાત કરી છે. પોલીસે સુરત ગ્રામ્યના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી તેનો કબજો ગોંડલ સીટી-બી ડિવિઝન પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે. આગળની કાર્યવાહી માટે ઉત્રાણ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
