અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની નવી બારપટોળી ગામની સીમમાં બીમાર સિંહના રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વનવિભાગના બે કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 9 વર્ષથી વધુ વયના આ સિંહનું રેસ્ક્યૂ કરવા ગયેલી ટીમ પર સિંહે અચાનક હુમલો કર્યો હતો.

આ ઘટનામાં ફોરેસ્ટર એમ.જે. ખાવડીયાની કમર અને ટ્રેકર ભરત જોગદીયાની છાતી પર ગંભીર ઈજા થઈ હતી. બંનેને તાત્કાલિક રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ફોરેસ્ટરની સારવાર રાજુલામાં ચાલુ રાખવામાં આવી હતી, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ટ્રેકર ભરત જોગદીયાને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસ કરી

બનાવની જાણ થતાં શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીન, ACF રાજન જાદવ, ગીર પૂર્વના ACF કપિલ ભાટીયા, જાફરાબાદના RFO ચેતરાણીયા, ખાંભાના RFO અને વેટરનરી ડોક્ટરની ટીમ મોડી રાત્રે સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળની તપાસ કરી હતી અને બંને કર્મચારીઓને યોગ્ય સારવાર મળે તે માટે વ્યવસ્થા ગોઠવી હતી.

સિંહ જ્યાં છુપાયો હતો તે વિસ્તાર ઊભા પાક અને બાવળની ઘન ઝાડીઓથી ભરેલો હોવાથી તેનું ચોક્કસ લોકેશન શોધવામાં મુશ્કેલી પડી હતી. વનવિભાગે આસપાસ સ્કેનિંગ અને સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. સિંહને સુરક્ષિત રીતે પકડવા માટે ઘટનાસ્થળે રિંગ પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું.

શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીને જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં ઈજાગ્રસ્ત અને બીમાર સિંહના રેસ્ક્યૂ દરમિયાન આકસ્મિક ઘટના બની હતી. વેટરનરી ડોક્ટરોની ટીમ સાથે મળીને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરાશે.