ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પશ્ચિમ રેલવેના સરકારી ક્વાર્ટરમાં ચાલતા તીનપત્તીના જુગારધામ પર રાજકોટ પશ્ચિમ રેલવે LCBની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે RPFના બે હેડ કોન્સ્ટેબલ સહિત છ લોકોને સ્થળ પરથી ઝડપી લીધા છે. કાર્યવાહી દરમિયાન ₹58,700 રોકડા સહિત કુલ ₹2,51,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ક્વાર્ટર નંબર 28(E)માં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં બહારથી લોકોને બોલાવીને તીનપત્તીનો જુગાર રમાડાતો હોવાની માહિતીના આધારે ટીમે કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી છ મોબાઇલ ફોન, ગંજીપત્તાનાં પાનાં અને પાથરણું પણ કબજે કરવામાં આવ્યું છે.
RPFના બે હેડ કોન્સ્ટેબલ સહિત છ સામે કાર્યવાહી
પકડાયેલા લોકોમાં RPFના હેડ કોન્સ્ટેબલ વિજય ગુજરીયા અને ભરત દયાતરનો સમાવેશ થાય છે. અન્ય આરોપીઓ તરીકે રેલવે કર્મચારી દિનેશ રાઠોડ, કિશોર કંડોલિયા, રાકેશ વાઘેલા અને લારી ચલાવતા રમેશ સોલંકીના નામ સામે આવ્યા છે. તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દિનેશ રાઠોડે પોતાના પાડોશીના ક્વાર્ટરનો આશરે છ મહિનાથી બિનઅધિકૃત કબજો મેળવી ત્યાં જુગારધામ શરૂ કર્યું હોવાની આશંકા છે. બહારથી લોકોને બોલાવી જુગાર રમાડવા ઉપરાંત નાલ ઉઘરાવી આર્થિક ફાયદો મેળવાતો હોવાનો પણ તપાસમાં ઉલ્લેખ થયો છે. ક્વાર્ટરનો કબજો મેળવવા અંગે કોઈ કાયદેસર પુરાવો હતો કે નહીં, તે અંગે તપાસ ચાલી રહી છે.
સરકારી ક્વાર્ટરના ઉપયોગ અંગે પણ તપાસ
આ કેસમાં માત્ર જુગારની પ્રવૃત્તિ નહીં, પરંતુ સરકારી ક્વાર્ટરનો બિનઅધિકૃત ઉપયોગ અને તેમાં રેલવે કર્મચારીઓની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રમણભાઈ લાખાભાઈ કટારા સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.
રેલવે પરિસરમાં સુરક્ષા સાથે જોડાયેલા કર્મચારીઓ જુગાર રમતા ઝડપાતા વિભાગીય શિસ્ત અને સરકારી આવાસના ઉપયોગ અંગે પ્રશ્નો ઊભા થયા છે. તપાસ આગળ વધે તેમ ક્વાર્ટરના કબજા, જુગારધામના સંચાલન અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
