રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ નજીક શીતળા મંદિર બ્રિજ પર 29 નવેમ્બરે લોખંડનો સોલ ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઈ હતી. આ અકસ્માતમાં અલખરામ કોરીનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે ટ્રોલીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી.
ટ્રેક્ટર-ટ્રોલી શાપરથી રાજકોટ તરફ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આગળ અચાનક બ્રેક લાગતાં ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રોલી પલટી ગઈ હતી. ટ્રેક્ટર-ટ્રોલી ભંગારના વેપાર સાથે સંકળાયેલા શ્રી લક્ષ્મી ટ્રેડર્સની હોવાનું જણાવાયું છે.
સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે ઈજાગ્રસ્તોને શાપર-વેરાવળની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માત બાદ બ્રિજ પર વાહનવ્યવહાર ખોરવાયો અને ટ્રાફિકજામ થયો હતો.
જનરક્ષક 112ને જાણ મળતાં શાપર-વેરાવળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ કરાવી અને અકસ્માતની તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં થયો તેની તપાસ ચાલુ છે.
