રાજકોટ જિલ્લાના શાપરમાં આવેલી પંચનાથ ઓટો પ્રા. લિ.ના માલિક પાસેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરીને ખંડણી માગ્યાના કેસમાં રાજકોટ LCBએ બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, કંપનીના માલિક પાસેથી રૂ. 30 લાખની માગણી કરવામાં આવી હતી અને તેમાંથી રૂ. 1 લાખ બળજબરીથી પડાવ્યાનો આક્ષેપ છે.
પકડાયેલા આરોપીઓની ઓળખ પ્રતાપ મગનભાઈ સોલંકી અને ધીરૂ રામજીભાઈ ચાવડા તરીકે થઈ છે. પ્રતાપ સોલંકી જીવરાજ પાર્કની લક્ષ્મણ ટાઉનશિપમાં રહે છે, જ્યારે ધીરૂ ચાવડા પારડીનો રહેવાસી છે. આ મામલે શાપર પોલીસમાં ગુનો નોંધાયા બાદ LCBએ બંનેને ઝડપી લીધા હતા.
ફરિયાદ મુજબ, આરોપીઓએ કંપની વિરુદ્ધ ખોટી અરજી કરી હતી અને GPCBના ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહી કંપનીને બોર્ડ તરફથી હેરાનગતિ નહીં થાય તે માટે નાણાં માગ્યાં હતાં. માગણી પૂરી ન થાય તો કંપનીમાં આવી મારપીટ કરવાની, કોઈને મારી નાખવાની અને GST તથા આવકવેરા વિભાગમાં ફરિયાદ કરવાની ધમકી અપાઈ હોવાનો પણ આક્ષેપ છે. એટ્રોસિટી કેસ નોંધાવવાની અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના જણાવ્યા મુજબ, ધીરૂ ચાવડા પંચનાથ ઓટો કંપનીમાં જ કામ કરે છે. પહેલાં પ્રતાપ સોલંકીની ધરપકડ કરાઈ હતી. તેની પૂછપરછ દરમિયાન આ કેસમાં ધીરૂની ભૂમિકા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. બંને સામેના આક્ષેપો અંગેની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
